Get The App

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ 1 - image


Gujarat High Court on Land NA: ગુજરાત હાઈકોર્ટે જમીનના બિન ખેતી (NA) ઉપયોગ માટે પરવાનગી આપવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જમીન રેવન્યુ કોડની કલમ 65 હેઠળ એનએ પરવાનગી માટે અરજીનું મૂલ્યાંકન કરતી વખતે સંયુક્ત અધિકારી (સંબંધિત કલેક્ટર)ને અરજદારના જમીનના માલિકી હક્ક (ટાઈટલ)ની તપાસ કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. આદેશ મુજબ, ફક્ત જમીન પર કબજો (ઓક્યુપન્સી) હોવું જ પરવાનગી માટે પર્યાપ્ત ગણાય છે.

શું છે કેસ?

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદર ગામમાં સર્વે નં. 1332/પૈકી 1/પૈકી 1, કુલ 1-19-96 ચો. મી. જમીન ખરીદીને પેટ્રીશનર્સ (અરજદારો)ને રહેણાંક ઉપયોગ માટે NA પરવાનગીની અરજી કરી હતી. તેમના નામે રજિસ્ટર્ડ સેલ ડીડ અને રેવન્યુ રેકોર્ડમાં મ્યુટેશન એન્ટ્રી પણ થયેલી હતી. જો કે, ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર તથા રેવન્યુ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી (અપીલ્સ)એ જમીનનો માલિકી હક્ક સ્પષ્ટ ન હોવાના કારણે આ અરજી નકારી હતી. જે બાદ અરજીદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઈકોર્ટનો તર્ક

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે કોર્ટના પૂર્વના નિર્ણયોનો સંદર્ભ આપીને સ્પષ્ટ કર્યું કે, કલમ 65 ફક્ત જમીનના 'કબજેદાર' (ઓક્યુપન્ટ) વિશે છે, 'માલિક' (ઓનર) વિશે નહીં. પરવાનગી અરજીની તપાસ દરમિયાન અધિકારીની ફરજ માત્ર એ ચકાસવાની છે કે, અરજદાર જમીનનો કાયમી કબજેદાર છે કે નહીં? માલિકી હક્કના જટિલ પ્રશ્નોનું નિરાકરણ સિવિલ કોર્ટની અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, રેવન્યુ અધિકારીની નહીં. કોર્ટે નોંધ્યું કે આ જ જમીન માટે પહેલાં (વર્ષ 2008માં) એનએ પરવાનગી મંજૂર થઈ હતી, રાજકોટ શહેરી વિકાસ પ્રાધિકરણ (આરયુડીએ) દ્વારા લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં પણ અરજદારોનો માલિકી હક્ક પ્રશ્નાર્થ લેવામાં નહોતો આવ્યો.

જૂના આદેશો રદ કર્યા

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ડેપ્યુટી કલેક્ટર, ધોરાજી તારીખ 30.05.2015 અને સ્પેશિયલ સેક્રેટરી (અપીલ્સ) તારીખ 05.04.2016ના આદેશો રદ કરી દીધા છે, કારણ કે તેમણે કલમ 65ની મર્યાદા ઓળંગી અધિકારક્ષેત્રનો અતિક્રમણ કર્યો હતો. કોર્ટે સક્ષમ અધિકારીને નિર્દેશ આપ્યો છે કે તેઓ હવે અરજદારોની એનએ પરવાનગીની અરજી પર આ ચુકાદાની પ્રાપ્તિના છ અઠવાડિયા અંદર, કાયદાની મર્યાદામાં રહીને નવો ચુકાદો આપે.

શું થશે લાભ?

આ ચુકાદાથી હજારો નાગરિકોને લાભ થશે જેમણે જમીન ખરીદી છે, પરંતુ માલિકી હકની ઔપચારિકતાઓ અધૂરી રહેવા કે તકરાર હોવાના કારણે N.A. પરવાનગીથી વંચિત રહ્યા છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રેવન્યુ અધિકારીઓએ એનએ અરજીની તપાસ દરમિયાન માત્ર 'કબજો' એ જ કસોટી માનવી જોઈએ, માલિકી નહીં. આ ચુકાદો ભૂમિ-વહીવટમાં વધુ પારદર્શિતા અને નાગરિક-હિતૈષી અભિગમને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ