ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, DCP સફિન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા અંગે રજૂઆત
Ahmedabad News: આજે(13 ઑગસ્ટ, 2025) ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રોડ-રસ્તા મામલે કન્ટેમ્પ્ટ પર સુનાવણી થઈ હતી. જેમાં શરુઆતમાં હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન સરકારી વકીલે અમદાવાદમાં ટ્રાફિકને લઈ લીધેલા પગલાંના આંકડા રજૂ કર્યા હતા. ત્યારબાદ પોલીસ અધિકારીઓને રાજકીય પક્ષો દ્વારા ટાર્ગેટ કરવાના મુદ્દે પણ દલીલ થઈ હતી.
DCP સફિન હસનને રાજકીય હેતુથી ટાર્ગેટ કર્યાની રજૂઆત
સરકારી વકીલના જણાવ્યા અનુસાર, પોલીસ ટ્રાફિક નિયમોનો અમલ કરાવી રહી છે, પણ રાજકીય હેતુથી વિવાદ ઊભો કરવામાં આવે છે. DCP ટ્રાફિકનું કામ ફિલ્ડ પર ટ્રાફિક નિયમનનું નથી છતાં તે કામ કરે છે. આ દરમિયાન ટ્રાફિક નિયમના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે DCPએ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી, પોલિટિકલ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જે મામલે કોર્ટે આદેશ આપ્યો હતો કે, એફિડેવિટમાં સમગ્ર મામલે ખુલાસો અને રાજકીય પક્ષ-નેતાનું આપો, તેમની સુઓમોટો કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવશે અને ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી કાયદાના શાસનનું ઉલ્લંઘન કરનારાઓને ખુલ્લા પાડી શકાય.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસો અગાઉ અમદાવાદ ટ્રાફિક-પોલીસ અને સતર્કતા ગ્રૂપના નામથી કેટલાક મહિલા વિરોધી પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા હતા. જેની આપ ગુજરાતની “પોલ ખોલ ટીમ”એ પોલ ખોલી હતી. ત્યારબાદ આ ટીમના એક સભ્ય પર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, 'IPS સફિન હસનના કહેવા પર ASI દ્વારા માત્ર 20 વર્ષના યુવાન(શુભમ ઠાકર) પર ખોટી રીતે કેસ નોંધાયો છે. TRB જવાનોને કાયદેસર રીતે ન ચાલતા અધિકારો અંગેનો વીડિયો બનાવનાર શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમને શંકા છે કે મહિલાવિરોધી પોસ્ટરોના મુદ્દે સરકાર મુશ્કેલીમાં મૂકાતાં પોલ ખોલ ટીમના સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.'
આ સાથે તેમણે કહ્યું હતું ક, 'આ મુદ્દે આપનું પ્રતિનિધિ મંડળ IPS સફીન હસન, DIG, પોલીસ કમિશ્નર અને હોમ સેક્રેટરીને મળશે અને IPS સફિન હસને આઇપીએસ કોડ ઑફ કન્ડક્ટનો ભંગ કર્યો છે, તે મુદ્દે ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.'
આ પણ વાંચો: જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક 'સૂર્યવલય', અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ