જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
Bharuch News : જંબુસર તાલુકાના કંગમ ગામે વડીલોપાર્જિત જમીનના વિવાદમાં ખેતરમાં કપાસના ઉભા પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી દઈ રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડવા મામલે કાવી પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે રહેતા ગંભીરસિંહ ચૌહાણ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓની કંગમ ગામ ખાતે વડીલોપાર્જીત જમીન આવેલી છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આ જમીનનો કબજો મારી પાસે હોય કપાસના પાકનું વાવેતર કર્યું હતું. ગઈ તા.11 ઓગસ્ટના રોજ મને જાણવા મળ્યું હતું કે, ગીતાબેનના દીકરા રઘુવીર સિંહ, મનુબેનના પતિ અજીતસિંહ અને તેમનો દીકરો ભાવેશએ મારા કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ મારી છોડ ઉખેડી નાખી આશરે રૂ.અઢી લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે રઘુવીરસિંહ જગદીશસિંહ મહિડા, અજીતસિંહ હિંમતસિંહ પરમાર અને ભાવેશ અજીતસિંહ પરમાર તમામ (રહે-સારોદ ગામ) વિરુદ્ધ બીએનએસ 324(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.