Get The App

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો 1 - image


Bahial Demolition Case: ગાંધીનગર જીલ્લાના બહિયલ ગામમાં જાહેર માર્ગ પર અતિક્રમણ દૂર કરવાના ભાગરૂપે 8 દુકાનો પર પ્રસ્તાવિત ડિમોલિશનને 16મી ઓક્ટોબર, 2025 સુધી યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.

હાઈકોર્ટે આઠ દુકાનદારોને (અરજદારોને)  તેમના દાવાઓને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે, જોકે કોર્ટે સાથે ચેતવણી પણ આપી છે, કે જો 16મી ઓક્ટોબર સુધીમાં અરજદારો યોગ્ય પુરાવા કે દસ્તાવેજ પૂરા નહિ પાડે, તો અધિકારીઓ ડિમોલિશનની કાર્યવાહી કરી શકશે.

અરજદાર 8 દુકાનદારો તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓક્ટોબરના રોજ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરો દ્વારા જારી કરાયેલી નોટિસને પડકારવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે 6 ઓક્ટોબરના રોજ પાઠવવામાં આવેલી નોટિસમાં તેમને કથિત અતિક્રમણ દૂર કરવા માટે માત્ર બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરાના આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા

અરજદારના વકીલ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે નોટિસમાં દુકાનદારોને સુનાવણી માટે યોગ્ય તક આપવામાં આવી નથી. અરજદારો વર્ષોથી આ સ્થળ પર વ્યવસાય કરે છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી રદ કરવામાં આવે. નવરાત્રી દરમિયાન કોમી ઘર્ષણનો બનાવ બન્યો હતો અને તેના કારણે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અરજદારો માટે એક પ્રકારની સજા છે.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે અરજદારોને અતિક્રમણ દૂર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ રોડ માર્ગ અને બાંધકામ વિભાગ હેઠળ આવતો હોવાથી ધ ગુજરાત પંચાયત એક્ટની કલમ 105(2)ની બીજી જોગવાઈ લાગુ પડી શકશે નહિ. નોટિસમાં અતિક્રમણ દૂર કરવાની વાત કરવામાં આવી છે અને અરજદારોને સંભાળવાની પૂરતી તક આપવામાં આવી હતી..અરજદારો દુકાન સંબંધિત યોગ્ય દસ્તાવેજ કે પુરાવા રજૂ કરી શક્યા નથી અને માટે આ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ મામલામાં કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આ અતિક્રમણ વહેલીતકે દૂર કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે.

ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ગામમાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા

Tags :