ચેક બાઉન્સ કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

Gujarat High Court On Rajkumar Santoshi Case : ચેક બાઉન્સ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને મોટી રાહત આપી છે. કોર્ટે સંતોષીને ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલ દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક બાઉન્સ કેસમાં શરતી જામીન આપ્યા છે. ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી ફિલ્મો માટે જાણીતા છે.
રાજકુમાર સંતોષીને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા
રાજકુમાર સંતોષીના વકીલ તરફથી કોર્ટમાં આજે જ 5 લાખ રૂપિયા ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રેટી સમક્ષ જમા કરાવવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે બાકીના 83 લાખ રૂપિયા પૈકી 41.50 લાખ રૂપિયા 30મી નવેમ્બરે અને બાકીના પૈસા 31મી ડિસેમ્બરે ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.
ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપતા સંતોષીને દેશની બહાર જવા કે ઘરનું સરનામું બદલતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે. સંતોષીના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ ફરિયાદ ટકાઉપાત્ર નથી, કારણ કે કથિત વ્યવહાર વર્ષ 2014માં થયો હતો. જ્યારે ડિસેમ્બર 2016માં થયેલા કથિત વ્યવહારના આધારે વર્ષ 2017માં બીજી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદો ઉદ્યોગપતિ વતી પાવર ઓફ એટર્ની પ્રફુલ્લ લાલ મહેતા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમને ચોક્કસ વ્યવહારની કોઈ ખાસ માહિતી નથી.
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોઈપણ સત્તા અથવા લાયસન્સ વિના કથિત લોન વ્યવહાર થયો હતો, જે ગુજરાત નાણાં ધિરાણકર્તા અધિનિયમ હેઠળ માન્ય નથી. આ ફરિયાદ આધાર-પુરાવવા વિના ફક્ત ધારણાના આધારે દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સાણંદ: ચેખલા ગામ જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા
જામનગરની મેજિસ્ટ્રેટ કોર્ટે રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા છે અને તેમને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને 30 દિવસની અંદર ફરિયાદીને ચેકની રકમના બમણો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. નીચલી કોર્ટના આ આદેશને 15મી ઓક્ટોબરે જામનગર સેશન્સ કોર્ટે માન્ય રાખ્યો હતો અને અરજદારને સજાની અમલવારી માટે હાજર થવાનું જણાવ્યું હતું.... આ પછી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફોજદારી રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.

