સાણંદ: ચેખલા ગામ જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા

Ahmedabad News : સાણંદ ચેખલા ગામ જમીન છેતરપિંડીના મામલામાં કોર્ટે બિલ્ડર રમણ પટેલને દોષિત જાહેર કરી 4 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને જેલની સજા ઉપરાંત કુલ 1.40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદામાં દંડની રકમમાંથી 1 લાખ રૂપિયા પીડિત ખેડૂત જીવાભાઈના વારસદારોને ચૂકવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા
આ કેસની ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 13 સાક્ષીઓની તપાસ કરીને પુરાવા તરીકે 46 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આરોપીને બનાવટી દસ્તાવેજો દ્વારા ચેખલા ગામમાં જમીન પચાવી પાડવાના આરોપમાં દોષિત જાહેર કરાયો છે. આરોપીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને ભારતીય ન્યાય સહિંતાની કલમ 465, 467, 468 અને 471 હેઠળ ગુનાને દાખલ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, અગાઉ જમીન પચાવી પાડવાના આ મામલામાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આ પછી આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ટ્રાયલની શરૂઆત થઈ હતી.
આરોપીએ ચેખલા ગામમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીથી હસ્તગત કરી હતી. જમીન પ્રતિબંધિત હોવાનું જાણતા હોવા છતાં આરોપીએ અલગ-અલગ કંપનીઓના નામે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હતી. કાયદા પ્રમાણે પ્રતિબંધિત જમીનની નોંધણી થઈ શકે નહીં. એટલું જ નહીં આરોપીએ સાણંદ મામલતદાર કચેરીના ખોટા અને બનાવટી હુકમ બનાવી નવી શરતી જમીનને જૂની શરતોમાં રૂપાંતરિત કરી હતી. આના આધારે જમીનની બનાવટી નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ, બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર
પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને ગુનામાં સંડોવણીના ઘણા પુરાવા સામે આવ્યા હતા. આરોપી રમણ પટેલ વિરુદ્ધ જમીન પચાવી પાડવાના 11 ગુના દાખલ થયેલા છે. તેમજ આરોપી પર નાણાકીય સત્તાનો ગુનાહિત પ્રવૃતિઓમાં ભૂમિકા ભજવવાનો આરોપ છે.

