ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, દરેક પરિવારમાં નાના ઝઘડા થયા કરે તેને દહેજ ઉત્પીડન ન કહેવાય
Petty Family Bickering Not Dowry Harassment: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, દરેક નાના નાના ઝઘડા અથવા કૌટુંબિક ઝઘડા જે કોઇપણ પારિવારિક જીવનમાં સામાન્ય હોય છે, તેને દહેજ માટે અથવા દહેજના સંબંધમાં કે પછી કોઈપણ મિલકત માટે થતી પજવણી તરીકે અર્થઘટન કરી શકાય નહી એટલે કે તેને દહેજ ઉત્પીડન સાથે જોડી ના શકાય. દહેજ સંબંધી એક કેસમાં પરિણિતાની આત્મહત્યા પ્રકરણમાં પતિને નિર્દોષ ઠરાવતાં જસ્ટિસ સી.એમ.રોય અને જસ્ટિસ ડી.એમ.વ્યાસની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
સાસરિયાપક્ષને કલમ 498(a) હેઠળ જવાબદાર ન ઠેરવી શકાય
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ પરિણિત મહિલા પરિવારમાં થતાં સામાન્ય ઝઘડા કે નાના કૌટુંબિક ઝઘડાઓના કારણે આત્મહત્યા કરે છે તો કાં તે નબળા મનની અથવા ભાવનાત્મક સ્વભાવના કારણે તેમ કરતી હોય તો તે માટે સાસરિયાપક્ષના સભ્યોને ભારતીય દંડ સંહિતાની કલમ-304(b), 498(a) હેઠળના કોઇપણ ગુના માટે જવાબદાર ઠરાવી શકાય નહી. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જયારે મૃતક કોઇપણ દહેજ અથવા મૂલ્યવાન સુરક્ષા અથવા મિલકત માટે અથવા તે સંબંધમાં ઉત્પીડન કે ક્રૂરતાનો ભોગ બની હોય તેવા પુરાવાના અભાવમાં એવી કોઇ ધારણા બાંધી શકાય નહીં કે, આરોપી પતિ દ્વારા તેને કરવામાં આવેલી આવી કોઈ હેરાનગતિના કારણે તેણે આત્મહત્યા કરી હતી.
ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો
હાઇકોર્ટની ખંડપીઠે ઠરાવ્યું હતું કે, હાઈકોટના ભલે મૃતકે સ્યુસાઈડ નોટ છોડી દીધી હોય અને તેનું ડાઇંગ ડેકલેરેશન પણ હોય પરંતુ તે સ્થાયી કાયદો છે કે, દરેક નાના ઝઘડા, કૌટુંબિક ઝઘડા એ કોઈપણ પારિવારિક જીવનમાં સામાન્ય વાત હોય છે અને તેને દહેજ સંબંધી હેરાનગતિ, ત્રાસ કે કોઈપણ મિલકત માટે થતી હેરાનગતિ સાથે સાંકળી શકાય નહી. મૃતકની સ્યુસાઈડ નોટ અને તેનું ડાઇંગ ડેકલેરેશન પણ એ હકીકત સાબિત અથવા પ્રસ્થાપિત કરી શક્યુ નથી કે, ભારતીય દંડ સંહિતાની કલમ-304(b) અને 498(a) હેઠળના ગુનાને સાબિત કરવા માટે કાયદા હેઠળ જરૂરી દહેજ માટે કે તે સંબંધી તેણીને આવી કોઈ હેરાનગતિ કે ત્રાસનો ભોગ બનવું પડયું હતું.
પત્ની સામાન્ય ઝઘડામાં આપઘાત કરે તો તે નબળા મનની કે ભાવનાશીલ કહેવાય
આ કેસમાં પતિ વિરૂધ્ધના દહેજ સંબંધી ત્રાસ અને ગુનાઓને પુરવાર કરવા માટેની આવશ્યકતાઓ પરિપૂર્ણ થતી નથી. ફરિયાદ પક્ષના કેસ મુજબ, સાસરિયા પક્ષના ત્રાસના કારણે પરિણિતાએ તા. 20-5-2006ના રોજ ઝેર પીતાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ કેસમાં પતિ વિરૂધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ-498(a), કલમ-304(b), 306 હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ હતી.
જોકે, પતિને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. જેની સામે રાજય સરકાર તરફથી હાઇકોર્ટમાં અપીલ કરાઇ, હાઇકોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ દહેજ મૃત્યુ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમ-304(b)ને કેસ સાબિત કરવા માટે એ દર્શાવવુ કે પુરવાર કરવું આવશ્યક છે કે મહિલાનું મૃત્યુ કાં તો બળી જવાના કારણે અથવા તો કોઈપણ શારીરિક ઇજાઓથી અથવા અકુદરતી સંજોગોમાં થયુ હોય, ઉપરોકત મૃત્યુ લગ્નજીવનના સાત વર્ષની અંદર હોવું જોઈએ અને તેણીના મૃત્યુ સંદર્ભમાં તેને દહેજ અથવા દહેજની કોઈપણ માંગણીને લઈ હેરાન કરાઇ હતી કે, ત્રાસ અપાયો હતો. પરંતુ પ્રસ્તુત કેસમાં ઉપરોકત હકીકતો સાબિત કરવા માટે કોઈ અધિકૃત પુરાવો રેકર્ડ પર નથી. હાઇકોર્ટે પતિને નિર્દોષ ઠરાવતાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો હતો અને સરકારની અપીલ ફગાવી દીધી હતી.