ગુજરાતના સરકારી બાબુઓ સામે ધારાસભ્યો 'લાચાર' દેખાતા સરકારે જારી કર્યું મોટું ફરમાન
AI Images |
Ahmedabad News: ગુજરાતમાં જાણે સરકારી બાબુઓનું રાજ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. ખુદ ભાજપના ધારાસભ્યો એવો બળાપો ઠાલવતાં થયાં છે કે, મત વિસ્તારના પ્રશ્ન-સમસ્યા ઉકેલાતી નથી. આ જોતાં સરકારે ફરી એક વાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે, ધારાસભ્યોના કામો કરો.
ધારાસભ્યોએ બળાપો ઠાલવતાં સરકાર જાગી
હાલ ભાજપના ધારાસભ્યો જ વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતના પત્રો વાઈરલ કરતાં થયા છે જેમ કે, થોડા દિવસ પહેલાં ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન થતા, આંદોલનની સરકારને ચિમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત ધારાસભ્ય હિરા સોલંકી અને જે.વી.કાકડિયાએ સિહના મોતને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતાં. અમદાવાદના ધારાસભ્ય અમિત શાહે લઘુમતી વિસ્તારમાં દબાણ હટાવવાનો મુદ્દો ઉઠાવીને મુખ્યમંત્રીને નિશાન બનાવ્યા હતાં.
આ પણ વાંચો: PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે
ભાજપના મોટાભાગના ધારાસભ્યોનું કહેવુ છે કે, સરકારમાં કામો થતાં નથી. સરકારી બાબુઓ મંત્રીઓને પણ ગાંઠતા નથી. ભલામણ કરે છતાંય કામો કરતાં નથી. આ જોતાં સરકારે ફરમાન જારી કરવું પડ્યું છે કે, ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોની મુલાકાતના દિવસે ફરજિયાત હાજર રહે. આ ઉપરાંત ધારાસભ્યોના કામો કરે
કોંગ્રેસ-આપને રાજકીય ભાથું મળ્યું
એવી ફરિયાદો ઉઠી છે કે, પ્રશ્નો ઉકેલવાનું તો બાજુએ રહ્યું. સરકારી બાબુઓ ધારાસભ્યોના ફોન-મેસેજનો જવાબ સુધ્ધાં આપતા નથી. મુલાકાતના દિવસે પણ સરકારી બાબુઓ મીટીંગમાં વ્યસ્ત હોય છે, પરિણામે ધારાસભ્યોને વેઈટીંગ રૂમમાં બેસી રહેવું પડે છે, તેવી સ્થિતિ છે. બીજી તરફ આપ અને કોંગ્રેસને ફાવતુ ફાવ્યુ છે. જે મત વિસ્તારમાં પ્રશ્ન, સમસ્યા હોય ત્યાં જનસમર્થન મેળવવા વિપક્ષો પહોંચી જાય છે. ભાજપના ધારાસભ્ય કરતાં વિપક્ષને વધુ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.