સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળ જ અસહમત, પહેલા જૂના પ્રશ્નો ઉકેલવા માગ
AI Images |
Ahmedabad News: કેન્દ્ર સરકારની કચેરીઓની જેમ ગુજરાતમાં પણ સચિવાલય-સરકારી કચેરીઓમાં ફરજનો સમય સવારે 9.30થી સાંજના 5.30 સુધી કરવા સરકારે નક્કી કર્યું હતું, પરંતુ આ વાત સાથે હજુ પણ કર્મચારી મહામંડળ સંમત નથી. સરકારની નીતિથી સરકારી કર્મચારીઓ ભારેભાર ખફા છે કેમકે, કામ લેવું છે પણ લાભ આપવો નથી. આ કારણોસર હવે કર્મચારીઓ પણ ગુજરાત સરકારને અસહકાર આપી રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે. આ જ સ્થિતિ રહી તો, વહીવટી સુધારણા પંચની ભલામણો કાગળ પર જ રહી જશે. આ જોતાં સચિવાલય-સરકારી કચેરીમાં સમયમાં બદલાવ લાવતા રાજ્ય સરકારને આંખે પાણી આવી શકે છે.
વહીવટી સુધારણા પંચની ભલામણ કાગળ પર જ રહી જશે
સચિવાલય-સરકારી કચેરીઓમાં સરકારી કામકાજમાં ગતિશિલતા અને ઝડપ આવે તે માટે ફરજના સમયમાં ફેરફાર કરવા નક્કી કરાયુ હતું. સરકારી કર્મચારી મંડળોએ પણ સપ્તાહમાં પાંચ જ દિવસ કામ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બંને પક્ષે સંમતિ સધાઈ શકી નથી. જે રીતે સરકારની નીતિ રહી છે કે, ઓછા પગાર, કોન્ટ્રાક્ટથી કર્મચારીઓનું રીતસર શોષણ કરવું, જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવો નહીં. આ બધાય મુદ્દાઓને લઈને સરકાર અને સરકારી કર્મચારીઓ જાણે આમને સામને છે.
આ પણ વાંચો: પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે
કર્મચારી મહામંડળોએ સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું
હાલ ઘણાં સરકારી વિભાગોમાં જ્ગ્યાઓ ખાલી પડી છે. સરકાર કાયમી ભરતી કરતી નથી પરિણામે સરકારી અધિકારી-કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યુ છે. આ ઉપરાંત મોટાભાગના સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરતી કરવામાં આવી રહી છે. હવે આ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા પણ ઉગ્ર માંગ ઊઠી છે. હવે સરકારી કર્મચારીઓ સરકારને સહકાર આપવાના મતમાં નથી. કર્મચારી મહામંડળોએ સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે કે, જૂની પેન્શન યોજના અને કોન્ટ્રાક્ટર પ્રથા સહિત અન્ય પડતર પ્રશ્નોનો ઉકેલ લાવો પછી સચિવાલય-સરકારી કચેરીઓના સમય મુદ્દે ચર્ચા કરજો. આ વખતે સરકારી કર્મચારીઓ આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. તે જોતાં સરકારી મહામંડળો એકાદ મહિના પછી જ ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે તેવા એંધાણ છે.
વહીવટી સુધારણા પંચે પણ આ દિશામાં ભલામણ કરી હતી પણ કર્મચારીઓ સાથે સરકારનું નકારાત્મક વલણ રહ્યુ છે તે જોતા સચિવાલય-સરકારી કચેરીઓમાં સમયમાં બદલાવ કરવા મુદ્દે કર્મચારી મહામંડળોને મનાવવા મુશ્કેલ છે. આ ડખો એટલી હદે વકર્યો છે કે, સરકારને તો જાણે ગળે હાડકુ ભરાયુ હોય તેવી દશા થઈ છે કેમકે, વહીવટી સુધારણામાં કર્મચારીઓ હાર્દ સમાન છે અને તેઓએ જ સરકાર સામે ‘અસહકાર’ આંદોલન શરૂ કર્યુ છે.