સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ

| (AI IMAGE) |
Gujarat Govt Job Recruitment-Process: ગુજરાતમાં યુવાનોને ઝડપથી અને પારદર્શી રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા બુધવારે તેનો છઠ્ઠો ભલામણ અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને યુવા-કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે.
ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ
આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને યુવા-કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે. આ ભલામણ અનુસાર ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે 9 થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય અન્ય જે ભલામણો કરાઇ છે, તે આ મુજબ છે.
- સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ-વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા તેમજ તેનાથી ખર્ચ ઉપર નિયંત્રણ આવી શકે.
- દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો.
- હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો
- ઉમેદવાર આધારિત યુનિક આઇડી પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માઘ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે.
- એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડની રચના કરવી.
- પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ ની સ્થાપનાની ભલામણ.


