Get The App

ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર 1 - image


Good News For Government Employees : ગુજરાત સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણયનો અમલ 1 ઑક્ટોબર 2025થી કરવામાં આવશે.

રાજ્ય સરકારે આપી મોટી રાહત

નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવની પ્રસ્તાવનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન ચૂકવવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. અગાઉ, રાજ્ય સરકારના અન્ય પેન્શનરોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો હતો અને આ 'એબ્સોર્બ' થયેલા પેન્શનરો માટે અલગથી હુકમ કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ

વિવિધ કર્મચારી મંડળો તરફથી મળેલી રજૂઆતો તેમજ ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી સૂચનાઓને ધ્યાનમાં લેતા, જે 'એબ્સોર્બ' પેન્શનરો લઘુતમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવી રહ્યા હતા, તેમને રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

સરકારના આ ઠરાવ મુજબ, જે કર્મચારીઓ રાજ્ય સરકારની સેવામાંથી જાહેર સાહસો, બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી રીતે સમાવિષ્ટ થયા છે અને સાતમા પગારપંચના અમલ છતાં માસિક રૂપિયા 9,000 કરતાં ઓછું પેન્શન મેળવી રહ્યા છે, તે તમામને હવે લઘુતમ રૂપિયા 9,000 પેન્શન ચૂકવવામાં આવશે. આ લાભ તારીખ 1 ઑક્ટોબર 2025થી રોકડમાં મળશે, જ્યારે તે પહેલાના સમયગાળા માટે આ લાભની ગણતરી 'નોશનલ' ગણવામાં આવશે.

શું છે કેન્દ્ર સરકારનો નિયમ

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારમાં પણ આવી જ જોગવાઈ અમલમાં છે. જ્યારે કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીને જાહેર હિતમાં કોઈ બોર્ડ કે નિગમમાં સ્થાયી રીતે સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તેમની અગાઉની સેવા માટે પેન્શનના પાત્ર ગણવામાં આવે છે. જો તેમણે પેન્શન માટેની લાયકાત પૂર્ણ કરી હોય. કેન્દ્રીય પેન્શન નિયમો હેઠળ, આવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ માસિક પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો મળવાપાત્ર હોય છે.


Tags :