Get The App

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ 1 - image


Mega Demolition Action : ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ 2 - image

700થી વધુ કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરાશે

સાબરમતી નદીના કાંઠે આવેલા GEB, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને 'અન-પ્લાન્ડ' બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરુ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોટિસ છતાં જમીન ખાલી ન કરાઈ

મળતી માહિતી મુજબ આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતાં આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.


ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ 3 - image

નાગરિકોમાં રોષ: સેક્ટરોના દબાણો ક્યારે હટશે?

એક તરફ નદી કિનારે વર્ષોથી રહેતાં લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં થયેલા મોટા અને પાકા દબાણો સામે કોર્પોરેશનની નિષ્ક્રિયતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને સેક્ટર-13, સેક્ટર-20 અને સેક્ટર-24 જેવા વિસ્તારોમાં નકશા બહારના બાંધકામો અને મુખ્ય માર્ગો પર થયેલા દબાણો હજુ પણ યથાવત્ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્રનો બુલડોઝર માત્ર ગરીબોના ઘર સુધી જ પહોંચી શકે છે? આ પાકા અને વગદાર લોકોના દબાણો પર કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે? એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ 4 - image

અગાઉ પણ રાજ્યમાં થઈ છે મોટી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગુજરાતના જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત્ રહેશે.

આ મેગા ડિમોલિશન ડ્રાઇવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી વસવાટ કરતાં કેટલાક પરિવારો બેઘર બન્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. જોકે, તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર ગેરકાયદેસર અને સરકારી જમીન પરના દબાણોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Tags :