Gujarat

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે

By GS TEAM
20 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ટુરિઝમ અને સરકારી આરોગ્ય સુવિધાઓના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના તાજેતરના અહેવાલે રાજ્યના આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે
 AI IMAGE

Ahmedabad News: ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ટુરિઝમ અને સરકારી આરોગ્ય સુવિધાઓના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના તાજેતરના અહેવાલે રાજ્યના આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની જનતાનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો છે અને માત્ર 30% દર્દીઓ જ ત્યાં સારવાર માટે જાય છે.

આંકડા શું કહે છે? 

રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે, લોકો સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા અને હડધુત થવા કરતા મજબૂરીમાં પ્રાઈવેટ હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. 70% દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 58.5% દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારમાં 69.5% દર્દીઓ ખાનગી હોસ્પિટલના પગથિયાં ચઢે છે.

આ પણ વાંચો :'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

સરકારી હોસ્પિટલો કરતાં ખાનગીમાં વધુ બાળકોના જન્મ

પ્રસુતિના ખર્ચમાં મોટો તફાવત હોવા છતાં, હવે ગર્ભવતી મહિલાઓને પણ સરકારી હોસ્પિટલો પર ભરોસો રહ્યો નથી. ગામડાઓમાં51.5% બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલમાં થાય છે, જ્યારે સરકારીમાં માત્ર 42.5%. જ્યારે શહેરોમાં: આ ખાઈ વધુ મોટી છે, જ્યાં 63.5% બાળકો પ્રાઈવેટ હોસ્પિટલમાં જન્મે છે અને સરકારીમાં માત્ર 32.6%.

સરકારી સિસ્ટમ કેમ કથળી?

સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ભારે અછતના કારણે સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત ડૉક્ટરો જ ઉપલબ્ધ હોતા નથી. ગામડાઓ પ્રત્યે ઉદાસીનતાને પગલે બોન્ડ વસૂલવા છતાં પણ ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા તૈયાર નથી. આધુનિક મશીનરીની અછતને કારણે સરકારી હોસ્પિટલોમાં MRI સહિતના મહત્વના અને અત્યાધુનિક મશીનો કાર્યરત નથી અથવા ઉપલબ્ધ જ નથી. દર્દીઓને હોસ્પિટલમાં ડૉક્ટર, સ્ટાફ કે દવાઓ શોધવામાં જ સમય વેડફવો પડે છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે નાગરિકો પોતે હોસ્પિટલમાં ટુરિઝમ કરી રહ્યા છે! વહીવટી કાગળો પર ભલે બધું 'ઓલ ઈઝ વેલ' દેખાતું હોય, પણ વાસ્તવિકતા એ છે કે મધ્યમ અને ગરીબ વર્ગ પણ ખિસ્સા ખાલી કરીને ખાનગી હોસ્પિટલોના મોટામસ બિલ ભરવા મજબૂર બન્યો છે.