Gandhinagar News : ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો પૂર્વે વર્ગ-4ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે.
કોને કોને મળશે લાભ?
આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી. રૂ. 7,000ની મહત્તમ મર્યાદામાં આ બોનસ નીચે મુજબના કર્મચારીઓને પણ મળવાપાત્ર થશે:
- રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના કર્મચારીઓ.
- વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ.
- પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોના કર્મચારી.
- ગ્રાન્ટ ઇન એઇડ શાળા અને કૉલેજો.
- જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓ.
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણાં વિભાગને આ બોનસની ચુકવણી માટે જરૂરી આદેશો અને દિશાનિર્દેશો આપવા સૂચના આપી દીધી છે. સરકારનો આ નિર્ણય દિવાળી પૂર્વે કર્મચારીઓને મોટી આર્થિક રાહત પૂરી પાડશે.


