પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ
Gujarat News: ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણ વોરા વિવાદમાં ફસાયાં છે. વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને ગાંધીનગર જિલ્લામાં પાલેજ ખાતે ખેતીલાયક જમીન ખરીદી હતી. આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ફરિયાદ કરતાં મહેસૂલ વિભાગે આદેશને પગલે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ જોતાં આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી વધી શકે તેમ છે.
કલેક્ટરના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ
ગાંધીનગર જિલ્લાના પાલેજમાં 3 કરોડ રૂપિયામાં જમીન વેચી બીનખેતી કરી દેવાઈ હતી. રમણ વોરાના પુત્રોએ જમીન ખરીદી ભાજપના દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ઉપરાંત મહેસૂલ સચિવને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર, 261ની ખેતીલાયક જમીન ખરીદી હતી. પૂનમભાઈ, હિતેશભાઈ અને રમણભાઈના નામે આ જમીન ખરીદવામાં આવી હતી. તે વખતે રમણ વોરાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, તેમાં ભાઈઓના નામ પણ ખોટા દર્શાવ્યાં હતાં. આ ઉપરાંત પૂનમભાઈ અને હિતેશભાઈએ પોતાનો હક જતો કર્યો છે તે વાતનો ઉલ્લેખ કરી પત્ની-પુત્રોના નામે જમીન કરી દીધી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં PM આવાસ યોજનામાં કૌભાંડ, 50000 રૂ. લઈ બનાવટી પઝેશન લેટર અપાયાની ફરિયાદો
આ જમીન વેચી દીધી હતી. બોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલી રહ્યો હતો તે સમયગાળા દરમિયાન જ આ જમીન બિનખેતી કરી દેવામાં આવી હતી. આ બિનખેતીની જમીન 13.55 કરોડ રૂપિયામાં રમણ વોરાના પુત્ર ભૂષણ વોરા અને સુહાષ વોરાના નામે ફરી ખરીદવામાં આવી હતી. વિવાદાસ્પદ જમીન સરકારની ન થાય અને મૂળ માલિકને પરત કરવામાં આવે તે પહેલાં જ રમણ વોરાએ આખોય ખેલ કરી નાંખ્યો હતો.આ ખેતીલાયક જમીન ખરીદી બોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્ર આધારે રમણ વોરાએ પોતાના મત વિસ્તાર ઈડર શહેરથી નજીક દાવડમાં પણ જમીન ખરીદી હતી. આમ, ભાજપના પૂર્વ ધારાસભ્યએ ફરિયાદ કરતાં રાજ્ય મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવા આદેશ કર્યો છે. જેથી બોગસ ખેડૂત ખાતેદાર બનેલાં પૂર્વ મંત્રી રમણ વોરા માટે મુશ્કેલી ઊભી થઈ છે.
ગાંધીનગરમાં જિલ્લામાં 62 જેટલા બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, 10 કરોડ દંડ વસૂલાયો
ખેડૂતોને મળતાં લાભ મેળવવા માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં જ વર્ષ 2024માં બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની કુલ 92 ફરિયાદો સરકારને મળી હતી. તે પૈકી તપાસના અંતે 62 બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થયુ છે. ગાંધીનગરમાં 23, દહેગામમાં 14, માણસામાં 1 અને કલોલમાં 24 બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં છે. આ લોકો વિરૂદ્ધ મહેસૂલ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, 10 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.