ઘાટ કરતાં ઘડામણ મોંઘી...!! અમદાવાદનો વસ્ત્રાપુર લેક હજી 9 મહિના બંધ, ખર્ચ પણ અંદાજથી બમણો
Ahmedabad Vastrapur Lake news : 2003માં ઔડા દ્વારા બનાવવામાં આવેલા બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર લેકને રિ-ડેવલપમેન્ટ કરવા માટે રુપિયા 5.15 કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર ઉમિયા વિજય ઈન્ફ્રાકોનને કામગીરી અપાઈ હતી. ફેબ્રુઆરી-24થી વસ્ત્રાપુર લેક મુલાકાતીઓ માટે છ મહીના માટે બંધ કરવામાં આવ્યુ હતું. જોકે કોન્ટ્રાકટરે સમયમર્યાદામાં કામગીરી પુરી નહીં કરતા વસ્ત્રાપુર લેક રિ-ડેવલપ કરવાની મુદત 6 જાન્યુઆરી-26 સુધી લંબાવી આપવા તેમજ કોન્ટ્રાકટરના રુપિયા 10.12 કરોડના રિ-રીવાઈઝ ટેન્ડરને મંજૂરી આપવા અંગેની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકાઈ છે.
ઔડા દ્વારા બનાવવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને રિ-ડેવલપ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના પગલે 27 ફેબ્રુઆરીથી 27 ઓગસ્ટ-2024 સુધી વસ્ત્રાપુર લેક મુલાકાતીઓ માટે બંધ કરાયુ હતું.આ તળાવના રિ-ડેવલપમેન્ટ માટે રુપિયા 5.15 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યા પછી રિ-ટેન્ડર કરાતા રિ-ડેવલપમેન્ટનો ખર્ચ વધીને રુપિયા 8.2 કરોડ સુધી પહોંચ્યો હતો.તળાવના રિ-ડેવલપમેન્ટની કામગીરીને લઈ જે સમયે પહેલી વખત દરખાસ્ત મંજૂર કરાઈ હતી એ વખતે લેકના અપર વોક-વે ઉપર કર્બ સ્ટોનના બદલે આર.સી.સી.ની દિવાલ બનાવવાનો ઉલ્લેખ કરાયો હતો.આ ઉપરાંત તળાવની અંદરના સ્લોપના ભાગમાં હયાત રબલ પીચીંગના ભાગમાં મોટાપાયે ધોવાણ થયુ હોવાનુ કારણ દર્શાવીને રબલ પીચીંગ આર.સી.સી.ગ્રીડ વગર ટકી શકે એમ નહીં હોવાનુ બતાવીને બીડ ગ્રીડ સ્ટ્રકચરની કામગીરી કરાવવી પડશે એમ કહેવામાં આવ્યુ હતુ.
પહેલા ટેન્ડર પછી રિવાઈઝ ટેન્ડર અને તે પછી રિ-રીવાઈઝ ટેન્ડરની માયાજાળ રચીને મ્યુનિસિપલ તંત્ર અને શાસકપક્ષના હોદ્દેદારોએ વસ્ત્રાપુર લેક રિ-ડેવલપમેન્ટનો ખર્ચ રુપિયા 10.12 કરોડ સુધી પહોંચાડી દીધો છે. ઉપરાંત કોન્ટ્રાકટરની ચોમાસા સિવાય વધુ ચાર મહીના એટલે કે 6 જાન્યુઆરી-26 સુધી સમયમર્યાદામાં સોમવાર 7 માર્ચના રોજ મળનારી મ્યુનિ.ની રોડ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર પણ કરાશે.