Get The App

ફાયર બ્રિગેડ હદ બહારના વિસ્તારમાં પણ ચાર્જ નહીં વસૂલી શકે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
ફાયર બ્રિગેડ હદ બહારના વિસ્તારમાં પણ ચાર્જ નહીં વસૂલી શકે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 1 - image


Rescue Charge Controversy : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેની હદ બહાર ફાયર બ્રિગેડની બચાવ કામગીરી માટે અઢી વર્ષ અગાઉ ચાર્જ નક્કી કરાયા હતા. ત્યારે રાયપુર નર્મદા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર ઑફિસર દ્વારા જ્યાં સુધી ચાર્જ નહીં ભરવામાં આવે ત્યાં સુધી જવાનો કેનાલમાં નહીં ઉતરે તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપીને ચાર્જ વસૂલવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કોઈ પણ મનપાને તેની હદ બહાર પણ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કાર્યનો ચાર્જ નહીં વસૂલવાનો આદેશ આપી દીધો છે. 

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ આગ કે અકસ્માતની ઘટના બને તો ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચીને બચાવકાર્ય કરે છે, પરંતુ આ માટે કોઈ ચાર્જ વસૂલાતો નથી. જો કે, અઢી વર્ષ અગાઉ કોર્પોરેશન વિસ્તાર બહાર બંદોબસ્ત કે પછી કોઈપણ બચાવકાર્ય દરમિયાન ફાયર બ્રિગેડ જાય તો કલાક અને કિલોમીટર પ્રમાણે ચાર્જના દર નક્કી કરાયા હતા, જેને જેને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર પણ કરી દેવાયા હતા. 

આ પણ વાંચો: બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

આ સ્થિતિમાં થોડા દિવસ અગાઉ ગાંધીનગર તાલુકાના રાયપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડના આઠ જવાનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે બચાવ કાર્ય પહેલા જ ચાર્જ પેટે રૂ. 8000 માંગ્યા હતા. જો કે, પરિવારજનોએ કામગીરી બાદ રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારે ફાયર ઓફિસરે ‘રૂપિયા મળશે તો જ ફાયર જવાનો પાણીમાં ઊતરશે’ તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપીને ચાર્જ વસૂલતા વિવાદ સર્જાયો હતો. 

ફાયર બ્રિગેડ હદ બહારના વિસ્તારમાં પણ ચાર્જ નહીં વસૂલી શકે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 2 - image

બીજી તરફ, ફાયર બ્રિગેડે બીજા દિવસે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ માટે તેમણે ચાર્જ વસૂલીને પરિવારને પહોંચ પણ આપી હતી. આ મામલે હાલ વિવાદ સર્જાતા ગાંધીનગર પાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર જ નહીં પરંતુ રાજ્યની તમામ મનપામાં આવા કોઈ ઠરાવ કરાયા હોય, તો તે તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના અહેવાલ છે. 

ઇન્ચાર્જ ફાયર ઑફિસરે ઉદ્ધતાઈ કરી હશે તો પગલાં લઈશું  

આ સમગ્ર વિવાદ સંદર્ભે ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, કોર્પોરેશન વિસ્તાર બહાર કોઈપણ કામગીરીમાં ચાર્જ વસૂલવા અગાઉની બોડી દ્વારા નિર્ણય લેવાયો હતો. સ્થાયી સમિતિમાં તેની મંજૂરી પણ અપાઈ હતી. ત્યારે ઇન્ચાર્જ ફાયર ઑફિસર દ્વારા રૂપિયા મળશે તો જ જવાનો નીચે ઉતરશે તેઓ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જો આવું વર્તન કરાયું હશે તો ઇન્ચાર્જ ઑફિસર સામે પગલાં ભરાશે અને તે માટે કમિશ્નરને તપાસની સૂચના અપાઈ છે. 

મનપાની હદ બહાર બચાવકાર્ય માટે પણ ચાર્જ નહીં વસૂલાય 

હવે ગાંધીનગર સહિત કોઈ પણ મનપા તેની હદ બહાર બચાવકાર્ય કરે તો ચાર્જ વસૂલી નહીં શકે. ઉપરોક્ત વિવાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કોઈ પણ ઠરાવ રદ કરવાની સૂચના આપી છે. 

Tags :