ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે

Farmer Protest in Bhavnagar: ભાવનગર તાલુકાના ભંડારિયા પંથકમાં તાજેતરના કમોસમી વરસાદે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માવઠાને પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર સર્વેની કામગીરીનો ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે સર્વે કર્યા વિના જ તમામ અસરગ્રસ્તોને 100 ટકા નુકસાની ગણીને વળતર ચૂકવવામાં આવે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી વળતર ચૂકવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. જોકે, ભંડારિયાના ખેડૂતોએ આ સર્વે પ્રક્રિયાનો જ બહિષ્કાર કર્યો છે.
આ ગંભીર બાબતે ભંડારિયા ગ્રામ પંચાયતના સરપંચે એક યાદીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, માવઠાને કારણે આ પંથકના તમામ વિસ્તારોમાં અને બધા જ સર્વે નંબરોમાં ખેતીપાકોને 100 ટકા નુકસાન થયું છે.
આથી સર્વે કર્યા વગર જ તમામ ખેડૂતોને વળતર મળે તે માટે સરપંચની આગેવાની હેઠળ આજે ( ૩ નવેમ્બર) સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ખેતી પાકને ભારે નુકશાન
ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે 10 તાલુકા અને એક સીટી તાલુકા એમ 11 તાલુકામાં સમાવિષ્ટ 699 ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી. ભાવનગર જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતર પૈકી 80 ટકા જેટલું વાવેતર કપાસ અને મગફળીનું થયુ હતુ તેથી કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું.
ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ
ભાવનગર શહેરમાં રવિવારે વહેલી સવારે ધીમીધારે પાણી વરસ્યા બાદ બપોરના સમયે ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન અનેક વખત વરસાદી ઝાપટું વરસ્યા બાદ થોડીવાર માટે ઉઘાડ પણ નીકળતો રહ્યો હતો. ઘોઘામાં સવારે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. સિહોર, વલ્લભીપુર અને ગારિયાધારમાં પણ ઝાપટું વરસ્યું હતું. બપોર બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘવિરામ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સોમવારથી માવઠાંનું જોર નબળું પડી જશે. જો કે, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ બે-ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ હતી.

