પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ

| (AI IMAGE) |
Gujarat Farmers: એક બાજુ, પોર્ટલના ધાંધિયાને લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ ભેટકી રહ્યાં છે. ત્યારે બીજી તરફ, સરકારના ઇશારે ખેડૂતોને પડતાં પર પાટુ માર્યું હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. હવે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છેકે, પહેલાં બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે. પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યાં છે.
સરકારી જાહેરાત છતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય
રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ તો જાહેર કર્યુ છે પણ તેનો લાભ મેળવતાં ખેડૂતોને આંખે પાણી આવે તેમ લાગી રહ્યુ છે. કેમકે, વિસંગતતાને પગલે અનેક પ્રશ્ન સર્જાયા છે. બીજુ, જે ખેડૂતોની વારસા એન્ટ્રી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે, જેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને કૃષિ સહાયનો લાભ મળશે. આ ઉપરાંત જો કોઈ ખેડૂતના એકથી વધુ ખાતા હોય તો તેમને પણ એક જ ખાતામાં લાભ મળશે.
આ પણ વાંચો: 957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા
વેરો ન ભરાયો હોય તો કૃષિ સહાય નહીં મળે, ખેડૂતોમાં રોષ
ખેડૂત જે મોટું ખાતું લખાવે તેનો જ લાભ મળશે. આ વિસંગતતા વચ્ચે કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ એવો પરિપત્ર જારી કર્યો છેકે, ચાલુ વર્ષે આ વિસ્તારના મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક આવી નથી. ત્રણ મહિના વિત્યા પછી પણ બાકી વેરાની વસૂલાત થઈ નથી. આ સંજોગોમાં જો ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ લેવા આવે તો, બાકી વેરાની વસૂલાત કરવી. આમ, કમોસમી વરસાદને લીધે આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતોને યેનકેન પ્રકારે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે.

