24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો

Gandhinagar News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું. સરકારની ટેકાના ભાવે પાક ખરીદીની વાત કરી છે, ત્યારે રાજ્યના ખેડૂતો પાસેથી આગામી 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે. આમ આગામી સોમવારથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરાશે.
24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીના પાકની 24 નવેમ્બરથી 31 જાન્યુઆરી, 2026 સુધી ખરીદી કરાશે. કૃષિ મંત્રીએ કહ્યું કે, ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામનો જથ્થો નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી ખરીદાશે. જેના માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે. જેમાં બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે.
આ પણ વાંચો: સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન
કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે, તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરીના 3075, જુવાર (હાઇબ્રીડ)ના 3999, જુવાર (માલદંડી)ના 4049, મકાઈના 2400 અને રાગી માટે 5186 ભાવ રહશે.

