સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન

Surat News : સુરતના માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમમાંથી 20થી વધુ વીજપોલ પરથી વીજળીના વાયરની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સિંચાઈના સમયે સીમ વિસ્તારોમાં વીજપોલ પરથી વાયરનો ચરી થતાં વીજ પૂરવઠો બંધ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે ખેડૂતોએ વીજ કંપનીને ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
20 વીજપોલ પરથી વીજતારની ચોરી
મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમ વિસ્તારમાંથી તસ્કરો દ્વારા અંદાજે 20થી વધુ વીજતાર કાપીને ચોરી કરવામાં આવી છે. વીજતાર કાપી નાખતાં ખેડૂતોને પાકમાં પાણી પૂરુ પાડવા માટે વીજળી બંધ હોવાથી હાલાકી પડી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે, વીજપોલ પરથી વાયરો કાપવાની ઘટના વધી રહી છે. થોડા દિવસ પહેલા લવેટ મોટી ફળી રોડ પરથી પણ વીજતારની ચોરી થઈ હતી. વીજ વાયરની ચોરીની ઘટના અંગે વીજ કંપનીને જાણ કરવામાં આવી છે.

