For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gujarat Election: PM મોદી સહિત આ દિગ્ગજો આજે ગુજરાતમાં સભા ગજવશે

Updated: Nov 23rd, 2022

Article Content Image

- એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી પ્રચંડ પ્રચાર કરશે

અમદાવાદ, તા. 23 નવેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાનથી માંડીને રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે અને ભાજપ કોઈપણ ભોગે તેનો ગઢ ગુમાવવા નથી માંગતી. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. AAPના મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખીને પાર્ટી માટે દિવસ-રાત પ્રચાર કરી રહ્યા છે. જોકે ભાજપનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ક્યાંયથી લડાઈમાં નથી. તેની સ્પર્ધા માત્ર કોંગ્રેસ સાથે છે.

Article Content Image

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં રેલી કરશે.

- ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે સવારે 11:00 વાગ્યે ગુજરાતના બોટાદમાં 'વિજય સંકલ્પ રેલી'ને સંબોધશે.

- ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ રેલીઓ કરશે. અમિત શાહ આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં રેલી કરશે.

- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દ્વારકા, કચ્છ, મોરબી અને સુરતમાં જાહેરસભાઓ કરશે.

PM મોદીએ રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી- જેપી નડ્ડા

તાજેતરમાં જ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ અમદાવાદમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે. વિકાસ અને રાષ્ટ્રવાદથી રંગાયેલી રાજનીતિને આગળ વધારવામાં આવી છે. વંશવાદ, પરિવારવાદ, ભત્રીજાવાદને નકારીને વિકાસને આગળ ધપાવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે ત્યારબાદ આ વખતે ગુજરાતની સત્તા પર કોણ બેસશે તે સ્પષ્ટ થશે.


Gujarat