Gujarat

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે હરણફાળ અને સૌથી વધુ બજેટ ફાળવણીની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી છે. સરકારી શાળાઓની દુર્દશા અને ખાનગી શાળાઓને અપાતા પ્રોત્સાહન વચ્ચે ખુદ શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને કાયમી ધોરણે ખંભાતી તાળાં વાગી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત

Gujarat Government Schools Closing: એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે હરણફાળ અને સૌથી વધુ બજેટ ફાળવણીની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી છે. સરકારી શાળાઓની દુર્દશા અને ખાનગી શાળાઓને અપાતા પ્રોત્સાહન વચ્ચે ખુદ શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને કાયમી ધોરણે ખંભાતી તાળાં વાગી ગયા છે. 

સુવિધાઓના અભાવે સરકારી શાળાઓ લાચાર

શાળાઓ બંધ થવા ઉપરાંત, માળખાગત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વર્ગખંડોની અછતને પરિણામે રાજ્યની 2,674 સરકારી શાળાઓ આજે પણ 'પાળી પદ્ધતિ' (Shift System)થી ચાલી રહી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે છેવાડાના બાળકોનું શિક્ષણ અને સરકારી શાળાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

2 વર્ષમાં 75 શાળાઓ કાયમી બંધ

ગુજરાતમાં એક તરફ સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં જાણે સરકારે જ ખાનગી શાળાઓને મસમોટી ફી ઉઘરાવીને લૂંટ ચલાવવાનો છુપો પરવાનો આપ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખુદ શિક્ષણ વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 75 જેટલી સરકારી શાળાઓ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

ખાનગી શાળાઓનો દબદબો

નવાઈની વાત એ છે કે, સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, તેમ છતાં સરકારી શાળાઓની દશા દયનીય બની રહી છે. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણના દ્વાર બંધ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખાનગી શિક્ષણ સંસ્થાઓ સંખ્યા વધી રહી છે. આ આંકડાઓ શિક્ષણ મોડેલ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે 'સત્યા ડેરી'ના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

2,674 શાળાઓમાં પાળી પદ્ધતિનો બોજ

શિક્ષણ વિભાગના એકરાર મુજબ, ગુજરાતમાં હજુ પણ અનેક શાળાઓ પાસે પોતાના મકાનો કે પૂરતા વર્ગખંડો નથી. માળખાગત સુવિધાઓના આ અભાવને કારણે રાજ્યની 2,674 શાળાઓમાં આજે પણ 'પાળી પદ્ધતિ'(Shift System) અમલી છે. પરિસ્થિતિ એવી છે કે, એક પાળીના વિદ્યાર્થીઓ છૂટે ત્યારે જ બીજી પાળીના બાળકોને અભ્યાસ કરવાની તક મળે છે.

દયનીય સ્થિતિમાં ભણવા માટે લાચારી

રાજ્યમાં હજુ પણ હજારો વર્ગખંડોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવા વર્ગખંડો અને શાળાના મકાનોના નિર્માણમાં હજુ ઘણો સમય લાગે તેમ હોવાથી, વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી આ જ દયનીય સ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.