Gujarat

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે 'સત્યા ડેરી'ના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતરના મિશ્રણથી ઝેરી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં છેલ્લા 20 દિવસથી ફરાર મુખ્ય આરોપી અને ડેરી સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે 'સત્યા ડેરી'ના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Fake Milk Dairy in Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતરના મિશ્રણથી ઝેરી નકલી દૂધ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં છેલ્લા 20 દિવસથી ફરાર મુખ્ય આરોપી અને ડેરી સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર ખેલ?

પ્રાંતિજના સલાલ વિસ્તારમાં 'સત્યા ડેરી પ્રોડક્ટ'ના નામે નકલી દૂધ અને છાસ બનાવવાનો કાળો કારોબાર ચાલતો હતો. આ ડેરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતર જેવા ઝેરી પદાર્થોમાંથી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસના દરોડા દરમિયાન બહાર આવ્યું હતું કે, દરરોજ અંદાજે 3000 લિટર નકલી દૂધ સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સપ્લાય કરવામાં આવતું હતું. લોકો છેતરાય તે રીતે છાસ અને દૂધના આકર્ષક પેકિંગ બનાવી તેનું વેચાણ થતું હતું.


20 દિવસની શોધખોળ બાદ ધરપકડ

પોલીસે જ્યારે પ્રારંભિક દરોડા પાડ્યા ત્યારે પાંચ શખ્સો સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલ ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠા સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સતત 20 દિવસ સુધી તપાસનો ધમધમાટ ચલાવી આખરે રાકેશને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ

કોર્ટ કાર્યવાહી અને રિમાન્ડ

પોલીસે આરોપી રાકેશ પટેલને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે, આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે? નકલી દૂધ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી આવતું હતું? કયા કયા વેપારીઓને આ દૂધ સપ્લાય કરવામાં આવતું હતું? કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સેંકડો લોકોના જીવ સાથે રમત રમતા આ કૌભાંડના પર્દાફાશ બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊઠી રહ્યા છે. આટલા લાંબા સમયથી આટલું મોટું નેટવર્ક તંત્રની નજર બહાર કેવી રીતે ચાલતું હતું તે તપાસનો વિષય છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ કૌભાંડના ઊંડા મૂળ સુધી પહોંચે તેવી શક્યતા છે.