Gujarat Education Department: રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સરકાર દ્વારા મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી 'ઈ-સરકાર' પોર્ટલ હેઠળ આવરી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. હવેથી શાળાઓના કમિશનરની કચેરી ખાતે કોઈપણ પત્રવ્યવહાર કે ફાઈલ હાર્ડ કોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.
હવે માત્ર 'ઈ-સરકાર' પોર્ટલ જ ચાલશે
શાળા કમિશનર કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે ડિજિટલ ફોર્મેટમાં જ કરવાની રહેશે. DEO કચેરીથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવતી ફાઈલો જો ભૌતિક સ્વરૂપે (Hard Copy) હશે, તો તેનો અસ્વીકાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી આ આદેશનું ઉલ્લંઘન કરી મેન્યુઅલ ફાઈલ મોકલશે, તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
સરકારનો મુખ્ય હેતુ સરકારી કચેરીઓને આધુનિક બનાવવાનો છે. જેમાં મેન્યુઅલ ફાઈલોની હેરફેરમાં થતો સમય બચશે અને કામગીરી ઝડપી થશે. કોઈ ફાઈલ કયા ટેબલ પર અને કેટલા સમયથી પેન્ડિંગ છે તેનું ઓનલાઈન ટ્રેકિંગ સરળ બનશે. ભ્રષ્ટાચાર અને ફાઈલો ગુમ થવાની શક્યતાઓ નહિવત્ થઈ જશે. આ ઉપરાંત વર્ષો જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખી શકાશે.
વારંવારની સૂચના બાદ હવે કડક વલણ
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2024થી ઇ સરકારમાં કામગીરી ચાલે છે અને નવો જે આદેશ છે એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ માટે છે., પરંતુ કેટલીક કચેરીઓ હજુ પણ જૂની પદ્ધતિથી જ કામ કરતી હતી. તેથી આજ (15મી જાન્યુઆરી)થી આ સિસ્ટમનો કડક અમલ કરવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે આ અંતિમ આદેશ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી રાજ્યની હજારો શાળાઓ અને શિક્ષકોને લગતા વહીવટી પ્રશ્નોનો ઉકેલ હવે આંગળીના ટેરવે અને ખૂબ જ ઓછા સમયમાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.


