Get The App

'નવનીતભાઈને ન્યાય આપો'ના નારા સાથે બગદાણામાં યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, 4ની અટકાયત

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
'નવનીતભાઈને ન્યાય આપો'ના નારા સાથે બગદાણામાં યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, 4ની અટકાયત 1 - image


Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણામાં ચાલી રહેલા વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા અને મોટી હોનારત ટળી હતી.

પોલીસ અને યુવાનો વચ્ચે ઝપાઝપી

મળતી માહિતી અનુસાર, આજે 15મી જાન્યુઆરીના રોજ બગદાણા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ચાર યુવાનો અચાનક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈ આવ્યા હતા અને પોતાના શરીર પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાનો ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા લગાવી રહ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અન્યાયની લાગણીને પગલે રોષ

કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે, જેને પગલે આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજથી પટકાયા, યુવકનું ગળું કપાયું

શું છે સમગ્ર વિવાદ? 

ઉલ્લેખનીય છે કે, મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક ગત 29મી ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ નવનીત બાલધિયા પર ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પીડિત યુવકે આ મામલે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીજી તરફ, મહુવાના ઈન્ચાર્જ DYSPના જણાવ્યા અનુસાર, દારૂની બાતમી આપ્યાની શંકાના આધારે આ હુમલો થયો હતો.

પોલીસ કાર્યવાહી

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓ પૈકી 4 શખસો (નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર અને સતીશ વનાળીયા)ની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. બનાવની ગંભીરતાને જોતા પોલીસે ફરિયાદમાં BNS કલમ 109 (હત્યાનો પ્રયાસ) નો ઉમેરો કર્યો છે.