ગુજરાતના મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવાની ત્રેવડ ના હોય તો રાજીનામું આપી દે: વિપક્ષની માગ
Gambhira Bridge Collapse : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ, આપ અને શંકરસિંહ સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી હતી. કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં પણ સરકારની બેદરકારીનું પરિણામ ગણાવી છે.
આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 9 મોત
ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની કરી રહી છે: શંકરસિંહ વાઘેલા
30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે. આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની કરી રહી છે. અને જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય ત્યારે આવા બેદરકાર શાસકોની હિમ્મત આકાશ તળે પહોંચે છે. પરિણામે સામાન્ય લોકો મોતને ભેટે છે.
ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે: આપ
ગુજરાત આપના પ્રમુખ ઇશુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે પાદરાના મુજપુર પાસે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સરકાર અને ભાજપના નેતાઓને મારો એક સવાલ છે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમે સારી વ્યવસ્થા આપો, અને વ્યવસ્થા આપવાના બહાને તે તમને નાણા આપે. એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાવ અને મરે પણ જનતા.
ભાજપના રાજમાં નિર્દોષ જનતાના જીવની કોઈ કિંમત નથી. આ જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે. આ સાથે સાથે અમે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે ભોળપણથી રાજનીતિ ચાલતી નથી, ભોળપણથી ઘર પણ નથી ચાલતું. જો તમે આ રાજ્ય ચલાવવા માટે સક્ષમ ન હોવ તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. લોકો તમારા રાજમાં મરી રહ્યા છે. ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે.
ગંભીરા બ્રિજનું તૂટવું દુર્ઘટના નહીં, સરકારની બેદરકારીનું પરિણામ: અમિત ચાવડા
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ ગુજરાત સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી છે. બ્રિજ જોખમી હોય તો તેને બંધ કરવો જોઈએ. સરકાર આ પ્રકારની ઘટનાઓ બાદ કેમ જાગે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x' પર પોતાની પ્રતિક્રિયા આપતાં આ મામલે સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે.
અમિત ચાવડાએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે 'વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવો એ એક દુર્ઘટના નથી, ગુજરાત સરકારની બેદરકારીનું પરિણામ છે.' તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે, 'સરકાર તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતના તમામ પુલનું નિરીક્ષણ કરે અને તેના સેફ્ટી સર્ટિફિકેટ જાહેર જનતા માટે પબ્લિક ડોમેન પર ઉપલબ્ધ કરાવે.'
કોંગ્રેસ નેતા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં પુલોની સુરક્ષા અને જાળવણી પર સવાલો ઊભા થયા છે.
આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ રાજ્યમાં વરસાદ બાદ ખાડા અને ભૂવાને લઈને સવાલ કર્યા હતા અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આખા રાજ્યમાં રસ્તામાં ભ્રષ્ટાચારના ખાડા અને ભૂવાથી જનતા ત્રસ્ત છે અને જનતાની રજૂઆતો અને ફરિયાદો પછી પણ સરકાર કોઈ પગલાં લેતી નથી. એટલે દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકોના જીવ જાય છે. દાદા.. જો ખરેખર તમારું હૃદય 'મૃદુતા'થી ભરેલું હોય તો 'મક્કમતા' દાખવી સમગ્ર (બિનકાર્યક્ષમ) મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દો.
ભારતમાં જ્યારે અંગ્રેજો બ્રિજ બનાવતા ત્યારે બ્રિજ બનાવવાની તારીખ અને બ્રિજની અવધિ પૂરી થવાની તારીખ પણ મોટા બોર્ડમાં લગાવતા હતા. પરંતુ આ ભ્રષ્ટાચારી સરકારના પાપે બ્રિજ ક્યારે બન્યો કયાં સુધી ચાલશે અને એની હાલત કેવી છે તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. તેના કારણે આજે આણંદ-વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા-મુજપુર બ્રિજ તૂટ્યો જેમાં અમુક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા.