ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ, ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અપીલ
Emergency Meeting in Gujarat : ભારત પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા યુદ્ધ તણાવની સ્થિતિમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ તથા ઉપસ્થિત રહ્યા અને બીએસએફના આઇજી અને પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ અને સતર્કતા સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમીક્ષા કરી હતી, જેમાં રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર એસપી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં 7 કલાક સુધી બ્લેકઆઉટ
દેશ વિરોધી અને ભડકાઉ પોસ્ટ પર પોલીસની નજર
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ‘ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુરુવારે સોશિયલ મીડિયા દેશવિરોધી પોસ્ટ કરનારા ચાર સામે ફરિયાદ કરાઈ છે. પોલીસના ધ્યાનમાં આવી કોઈ પોસ્ટ આવશે તો કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ કે દેશવિરોધી પોસ્ટ પર પોલીસની નજર છે.’
તંત્રને જરૂરી વસ્તુઓ અને ફ્યુઅલનો પુરવઠો સંગ્રહ કરવા સૂચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ અપાઈ હતી. નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ સહિતનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા.
આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો આપ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબીલાઇઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચના પણ જિલ્લાના વડાઓને આપી હતી.
લોકજાગૃતિ અભિયાન શરુ કરવા સૂચના
આ દરમિયાન નાગરિકોને ખોટી માહિતી અને અફવાઓથી પણ દૂર રહેવાની અપીલ કરાઈ હતી. લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરુ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓ, વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર ઍલર્ટ મોડ પર રહીને તાત્કાલિક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.