ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ
Representative image |
Std-12 Science Supplementary Exam Result: ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. ત્યારે શનિવારે (12મી જુલાઈ) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહ 6,978 વિદ્યાર્થીઓ પાસ થયા
મળતી મહાતિ અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 19,251 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 16,789 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 6,978 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 41.56 ટકા પરિણામ આવ્યું છે. A ગ્રૂપનું પરિણામ 46.32 ટકા આવ્યું છે અને B ગ્રૂપનું પરિણામ 40.47 ટકા આવ્યું છે. આ ઉપરાંત AB ગ્રૂપનું પરિણામ 37.50 ટકા આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો...
શિક્ષણ મંત્રીએ આપી માહિતી
શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12મી જુલાઈ, 2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.'
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ જૂન-જુલાઈ મહિના દરમિયાન ધો.10-12ની પૂરક પરીક્ષા લેવામાં આવી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 23 જૂન, 2025 શરૂ થઈ હતી. જેની હોલટિકિટ 12 જૂનથી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ થવાની શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડની માહિતી અનુસાર ધોરણ 10-12માં જૂન-જુલાઈ, 2025ની પૂરક પરીક્ષામાં અલગ-અલગ વિષયના કુલ 11000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.