કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા

World Cancer Day: ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં જ કેન્સરના નવા 2.25 લાખ જેટલા નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. આમ આ સ્થિતિએ ગુજરાતમાં કેન્સરના દરરોજ સરેરાશ 212 નવા દર્દીઓ નોંધાય છે. આજે 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ' છે ત્યારે કેન્સરના વધતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.
કિમોથેરાપીનો બોજ: સામાન્ય દર્દી માટે અશક્ય સારવાર
એક સમય હતો જ્યારે સામાન્ય બિમારીમાં પણ માણસ હિંમત હારી જતો. એ અરસામાં હૃદય, કિડની, ફેફસાં અને મગજની બિમારીઓનો ભોગ બનેલા દદીઓનો મૃત્યુઆંક પણ ઘણો વધારે હતો. એમાં જે કેન્સર જેવી બિમારીનું નામ પડે એટલે દર્દી સહિત આખું કુટુંબ આશા છોડી દેતો હતો. લોકો સમજતા કે કેન્સર એટલે કેન્સલ. કેન્સરની બીમારી પછી એની સારવારમાં ઉપયોગ થતી કિમોથેરાપીએ પણ ઘણી ખર્ચાળ હતી જેના કારણે સામાન્ય દર્દી તેની સારવાર કરાવી શકતો નહોતો.

ગુજરાતમાં 35 'ડે કેર' કિમોથેરાપી સેન્ટર શરૂ
આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે કેન્સરને હરાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં તમામ જિલ્લાઓમાં કુલ-35 ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ 2025-26માં નવા 7 નવા 'ડે કેર' કિમોથેરાપી સેન્ટર શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક
3 વર્ષમાં 78 હજારથી વધુ દર્દીઓને લાભ
આ સેવાઓ શરૂ કરવાનો ઉદ્દેશ માત્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓને અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ જેવા સ્થળોની સરકારી હોસ્પિટલો ખાતે કિમોથેરાપીની સારવાર માટે આવવા-જવાનો ખર્ચ અને સમય બચાવવાનો છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે, વર્ષ 2022-23થી વર્ષ 2024-25 બે લાખથી વધુ સેસન દ્વારા કુલ 78 હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કિમોથેરાપી સારવાર લીધી છે.

