Get The App

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય!

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! 1 - image

Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં હાલમાં મંત્રી મંડળના સંભવિત વિસર્જનની જોરદાર અટકળો ચાલી રહી છે, જેના કારણે વર્તમાન મંત્રીઓમાં ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની વરણી થયા બાદ હવે કેબિનેટમાં ફેરફારની શક્યતાઓ બળવત્તર બની છે. આ સંભવિત ફેરફારોની સીધી અસર મંત્રીઓના દિવાળીના કાર્યક્રમો પર જોવા મળી રહી છે, ખાસ કરીને દિવાળી શુભેચ્છા કાર્ડના ફોર્મેટ પર.

મંત્રીઓ અવઢવમાં, હોદ્દો લખવો કે નહીં?

નજીકના ભવિષ્યમાં તેમનું પત્તું કપાશે કે કેમ, તે અંગેની અનિશ્ચિતતાને કારણે ઘણાં મંત્રીઓ તેમના મતદાર ક્ષેત્રોમાં મોકલાતા દિવાળી કાર્ડમાં શું લખવું તે અંગે અવઢવમાં છે. મંત્રી તરીકે શુભેચ્છા પાઠવવી કે માત્ર ધારાસભ્ય તરીકે?

આ અંગેનો અંતિમ ભરોસો માત્ર હાઈકમાન્ડ પર હોવાથી, મંત્રાલયોની ઓફિસોમાં ભેટ-સોગાદો, પેન્ડિંગ કામો અને શુભેચ્છા મુલાકાતો પર પણ અસર પડી રહી છે. સચિવાલય અને વિધાનસભા સંકુલમાં હાલમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે મંત્રીમંડળનું વિસર્જન દિવાળી પહેલાં થશે કે દિવાળી પછી.

સ્ટાફની અનિશ્ચિતતા: પોટલાં બંધાયા

કેટલાંક મંત્રીઓને પોતાનું પત્તું કપાવાનો સ્પષ્ટ અણસાર આવી ગયો છે. તેના પરિણામે, તેમની નિયુક્તિ પર આવેલા પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) અને અન્ય નિમણૂક પામેલા સ્ટાફે તો અત્યારથી જ પોટલાં બાંધવા (અન્ય જગ્યાએ જવાની તૈયારી કરવી) શરૂ કરી દીધા હોવાના અહેવાલો છે.

સચિવાલયમાં મોટા ભાગના ફોન કોલ્સમાં પણ હવે દિવાળી પછી ખબર પડે એ વાતને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મંત્રીઓ અને તેમનો સ્ટાફ ગમે ત્યારે કોઈ ફોન કે યાદી બહાર પડે તેની રાહ જોઈને મોબાઈલ સ્ક્રીન પર મીટ માંડી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન


સીએમ ઓફિસમાં ક્વેરી

સચિવાલયના એક મંત્રીએ તો પોતાની મજબૂરી વ્યક્ત કરતાં સીએમ ઓફિસમાં ફોન કરીને પૂછ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે કે, 'અમારે દિવાળીના કાર્યક્રમોમાં મંત્રી લખીને આમંત્રણ આપવું કે ધારાસભ્ય તરીકે, જેથી ખ્યાલ આવે કે અમારું પત્તું કપાય છે કે નથી કપાતું? રાજનીતિજ્ઞો દ્વારા મંત્રીઓના કામ અને કૌભાંડોનું મૂલ્યાંકન કરીને વિસર્જનની આગાહીઓ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર અટકળો

સોશિયલ મીડિયા પર કોના નામો કપાશે તેની અનેક અટકળો ચાલી રહી છે. સક્રિય અને નિષ્ક્રિય મંત્રીઓના નામોની ચર્ચા હાલમાં સચિવાલય સંકુલની મુખ્ય ચર્ચા છે, જેની સીધી અસર દિવાળીના કાર્યક્રમો પર પણ પડી રહી છે. મંત્રીમંડળની સાથે સાથે પીએ અને પીએસ (પ્રિન્સિપલ સેક્રેટરી) પર પણ અનેક લટકતી તલવારો તોળાઈ રહી છે, જેના કારણે કેટલાંક મહત્ત્વના નિર્ણયો પણ પેન્ડિંગ પડ્યા છે. હાલમાં, સોશિયલ મીડિયાના વાયરલ વૉરમાં ગુજરાતનું મંત્રી મંડળ સૌથી વધુ ટાર્ગેટ પર છે.