અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન

લોકોના
આરોગ્ય જોખમમાં, સ્વચ્છતા અભિયાનના ધજાગરા!
સરકારી
જમીનમાં ઔદ્યોગિક કચરો ડમ્પિંગ થતાં ભૂગર્ભ જળ અને જમીન તેમજ સળગાવવાથી હવા પ્રદૂષિત
થઇ રહી છે
બગોદરા
- અમદાવાદ-બગોદરા હાઈવે પર 'સ્વચ્છતા અભિયાન'ના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાઈવેની બંને બાજુઓ પર ઔદ્યોગિક એકમો
દ્વારા આડેધડ રીતે ફેંકવામાં આવી રહેલા કેમિકલયુક્ત વેસ્ટ કચરા, પ્લાસ્ટિક અને એઠવાડને કારણે આ વિસ્તારના લોકોનું આરોગ્ય ગંભીર જોખમમાં
મુકાયું છે.
હાઈવે
પર કચરો ફેંકવા ઉપરાંત, આ વિસ્તારની સરકારી પડતર જમીનોમાં પણ મોટા પાયે વેસ્ટનું ડમ્પિંગ થઈ
રહ્યું છે અને ખુલ્લેઆમ તેને સળગાવવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે એક તરફ
કેમિકલયુક્ત વેસ્ટથી ભૂગર્ભ જળ અને જમીન દૂષિત થઈ રહી છે, તો
બીજી તરફ કચરો સળગાવવાથી પેદા થતા ઝેરી ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર
ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે શ્વાસ સંબંધિત રોગોને નોતરી
શકે છે.
ચાગોદર, મોરેયા, રજોડા, બાવળા, કેરાળા અને
બગોદરા જેવા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વેસ્ટ કચરાના ઢગલા જોવા મળે છે, જેણે સમગ્ર વિસ્તારને ગંદકીના ગંજમાં ફેરવી દીધો છે.
સ્થાનિકોની
માંગ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે
આ ઔદ્યોગિક એકમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે,
જેથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.
ડીડીઓનો
આદેશ માત્ર કાગળ પર રહ્યો
સ્થાનિક
સત્તાવાળાઓ દ્વારા આ સમસ્યા સામે સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અગાઉ, ત્રણેક વર્ષ પૂર્વે મોરૈયા
ખાતે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા તલાટીઓ, સરપંચો
અને કંપનીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજીને વેસ્ટ ફેંકતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહીના
આદેશો આપવામાં આવ્યા હતા. જોકે, અધિકારીની બદલી થતાં જ આ આદેશો
માત્ર કાગળ પર રહી ગયા અને પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધુ વણસી ગઈ છે.
જીપીસીબીને
રજૂઆત છતાં કાર્યવાહી નહીં
બાવળાના
સામાજિક કાર્યકર દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
(જીપીસીબી), ગાંધીનગર તેમજ કલેક્ટર કચેરી સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં
આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ જોખમી ગેરકાયદેસર
પ્રવૃત્તિને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.