ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા, નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની અટકળો

Gujarat Cabinet Reshuffle BJP: ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા પૂર્વે મુખ્યમંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓએ આજે (16 ઑક્ટોબરે) રાજીનામા આપી દીધા છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભાજપ 2021ની માફક નો-રિપીટ ફોર્મ્યુલા અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં આ નિર્ણય લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં સન્નાટો છે.
શુક્રવાર(17મી ઑક્ટોબર)ના રોજ મહાત્મા મંદિર ખાતે 11:30 કલાકે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારંભ યોજાવાનો છે. આ કાર્યક્રમ બાદ તરત જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે.
'નો-રિપીટ' થિયરી, નાયબ મુખ્યમંત્રીની અટકળો તેજ
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ 2021ની 'નો-રિપીટ' થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. અટકળો છે કે આ પદ માટે આદિવાસી વ્યક્તિની નિમણૂક થઈ શકે છે.
ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ સુનીલ બંસલ આજે (ગુરુવારે) ગુજરાતની મુલાકાત લેશે. તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રી ફોર્મ્યુલા લાગુ કરવા ધારાસભ્યો સાથે બેઠકો યોજાઈ શકે છે.
આ પણ વાંચો: આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ
કેન્દ્રીય નેતાઓની હાજરીની શક્યતા
કેન્દ્રીય નેતાઓ પણ મંત્રીમંડળમાં ફેરફારમાં હાજર રહે તેવી શક્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે, જોકે તેઓ બીજા દિવસે બિહારની મુલાકાતે જવાના છે. આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી(AAP)ના કારણે ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મળી રહેલા પડકારો ગણવામાં આવે છે. આ ફેરફાર દ્વારા પાર્ટી પાટીદાર અને ઓબીસી ગઠબંધનને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા
નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્ત્વ આપતા 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવિધિ
પ્રાદેશિક સંતુલન પર ભાર
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.
સચિવાલયમાં સન્નાટો: કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ ગાયબ
હવે મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે ત્યારે બુધવારે મોટાભાગના મંત્રીઓની ગેરહાજરી જોવા મળી હતી. વિકાસ સપ્તાહના સમાપના બહાને મંત્રીઓ દેખાયા જ ન હતા. મંત્રીઓના પીએથી માંડીને પટાવાળા ચિંતાતુર જોવા મળ્યા હતા કેમકે, મંત્રીઓના સ્ટાફને પણ વિદાયનો ડર સતાવી રહ્યો છે. દિવસભર સચિવાલયમાં જાણે સન્નાટો છવાયેલો રહ્યો હતો. કોની વિકેટ પડશે અને કોણ યથાવત્ રહેશે તેની ચર્ચા ચાલતી રહી હતી.
સ્વર્ણિમ સંકુલ 1 અને 2મા ખાલી ઑફિસોમાં સાફસફાઈ શરુ કરાઈ
મંત્રીઓનો શુક્રવારે શપથગ્રહણ યોજાઈ શકે ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઑફિસમાં સાફસફાઈ કાર્ય શરુ કરાયું છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વધુ મંત્રીઓનું હોઈ શકે છે. જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઑફિસોની સફાઈ શરુ કરાઈ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત લગભગ સાચી ઠરશે.