સરકારી બંગલા મામલે વિપક્ષ-સરકાર વચ્ચે 'લેટર વૉર', ભાજપ નેતાઓને લહાણી થતાં કોંગ્રેસી ભડક્યા
AI Image |
Latter War: પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલાની ફાળવણીને લઈને વિધાનસભા વિપક્ષના નેતા અને સરકાર વચ્ચે લેટરવોર જામ્યો છે. તેનું કારણ એ છેકે, ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી. આર. પાટીલ ગાંધીનગરમાં સરકારી બંગલો ફાળવાયો છે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી રત્નાકર પણ બંગલામાં જ રહે છે. જ્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કોર્મશિયલ રેટથી ક ટાઇપનો બંગલો ભાડે માંગતા સરકારે ધરાર ઇન્કાર કરી દીધો છે. હવે આ મામલે વિવાદ જામ્યો છે.
ભાજપના નેતાઓને લ્હાણી, વિપક્ષના નેતા અમિત ચાવડાને બંગલો ભાડે આપવા સરકારે નન્નો ભણ્યો
સરકારી બંગલા ફાળવવામાં રાજ્ય સરકાર દ્વેષભાવ રાખી રહી છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે કેમકે, વર્ષ 2020થી ક ટાઇપનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ફાળવવામાં આવ્યો છે. નવાઈની વાત તો એ છે કે, સરકારી બંગલો ફાળવવામાં આવે તો કયા વિભાગના અધિકારી છે તે જણાવવું પડે છે. સી. આર. પાટીલના કિસ્સામાં અધિકારીની મૂળ કચેરી તરીકે કમલમ દર્શાવાયું છે.
આ પણ વાંચો: VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા
પાટીલને જે ટાઇપનો બંગલો ફાળવાયો છે તે ટાઇપના બંગલા પોલીસ મહાનિરીક્ષક નિરજા ગોટરુ, નાયબ પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે, મુખ્ય વન સરંક્ષક કે. એન. રંધાવા, નાયબ પોલીસ મહાનિર્દેશક મયંકસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓેને ફાળવવામાં આવ્યા છે. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને રજૂઆત છતાં કોમર્શિયલ રેટથી બંગલો ભાડે આપવા સરકારને ના પાડી દીધી છે.
તેમણે એવો આક્ષેપ કર્યો કે, હાલ જે સરકારી આવાસો કોને ફાળવાયા છે અને તેમાં કોણ રહે છે તેની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો ખુલી શકે તેમ છે. ઘણાં આવાસો બારોબાર નેતાઓને આપી દેવાયા છે જેમ કે, ભાજપના નેતા રત્નાકર કોના સરકારી બંગલા રહે છે તેની તપાસ થવી જોઈએ. હવે વિવાદ એ જામ્યો છે કે, ભાજપના નેતાઓને સરકારી બંગલાઓની લ્હાણી કરાઈ છે ત્યારે વિપક્ષના નેતાને ભાડે પણ બંગલો અપાતો નથી.
નોંધનીય છેકે, પરેશ ધાનાણી વિપક્ષ નેતા હતા ત્યારે બાબુ બોખરિયા મંત્રી ન હોવા છતાંય બંગલો ખાલી કરતા ન હતા. આખરે સરકારે દબાણ કરી વિપક્ષી નેતા માટે બંગલો ખાલી કરાવ્યો હતો. આમ, સરકારી આવાસોની ફાળવણીને લઈને સરકાર અને વિપક્ષી નેતા સામસામે આવ્યા છે.