ગુજરાત બોર્ડ રિઝલ્ટ : વડોદરાનું ધો.10નું 76.65 ટકા પરિણામ, 1111 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ
Gujarat Board 10th Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું 76.65 ટકા પરિણામ જાહેર થયું છે.
જે ગયા વર્ષની સરખામણીએ સહેજ ઓછું એટલે કે 0.55 ટકા ઘટયું છે. ગત વર્ષે વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 77.20 ટકા હતું. તેના આગલા વર્ષે એટલે કે 2023માં પરિણામની ટકાવારી 62.24 ટકા હતી.
વડોદરામાંથી 36758 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 1111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કુલ મળીને 28171 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, પરિણામની ટકાવારી 76.65 ટકા રહી છે.
વધુ વાંચો : ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો
વડોદરાની 31 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે અને 17 સ્કૂલો એવી છે જે જેનું પરિણામ 30 ટકાથી નીચું રહ્યું છે. 10 ટકાથી ઓછું પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા માત્ર 2 છે. 100 ટકા રિઝલ્ટ મેળવનાર સ્કૂલોની સંખ્યામાં ગત વર્ષ કરતા 12 સ્કૂલોનો ઘટાડો થયો છે.
વડોદરા શહેર જિલ્લાના 45 કેન્દ્રો પર ધો.10ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 90.22 ટકા વરણામા કેન્દ્રનું અને સૌથી ઓછું પરિણામ ભાદરવા કેન્દ્રનું 46.09 ટકા આવ્યું છે. ગયા વર્ષે પણ વરણામા કેન્દ્રનું સૌથી વધારે 90.66 ટકા પરિણામ જાહેર થયું હતું. ભાદરવા કેન્દ્રનું ગત વર્ષે 71.11 ટકા પરિણામ હતું અને તેમાં 25 ટકાનો ઘટાડો નોંધાતા આ કેન્દ્ર જિલ્લામાં તળીયે પહોંચી ગયું છે. વડોદરા શહેરમાં કારેલીબાગ કેન્દ્રનું સૌથી વધારે 89.10 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે પણ કારેલીબાગ કેન્દ્ર શહેરમાં પ્રથમ હતું. શહેરમાં સૌથી ઓછું પરિણામ માંડવી કેન્દ્રનું 68.65 ટકા આવ્યું છે.