ગુજરાતમાં વિરોધ પક્ષ 'બકરી બેં', ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનું સરકાર વિરુદ્ધ લેટરવૉર
Gujarat Politics: એક બાજુ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, રસ્તાના સમારકામ અને માર્ગો પર ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. બીજી બાજું, ભાજપના સાંસદ જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે કે, પુલો પડુપડુ છે ત્યારે સરકાર ને કઈ પડી જ નથી. પ્રજાલક્ષી કામો ન થતાં હવે ભાજપના ધારાસભ્ય-સાંસદોએ સરકાર વિરૂદ્ધ લેટરવૉર શરૂ કરી દીધું છે.
ધારાસભ્યો પોતાની જ સરકારની નારાજ
વિરમગામ શહેરમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર વિરૂદ્ધ જન આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. સિંહોના મૃત્યુને લઈને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી અને જે.વી. કાકડિયાએ પત્ર લખીને વનવિભાગની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી હતી. ભાજપના ધારાસભ્યો સરકારથી નારાજ છે ત્યાં હવે ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ સરકારથી નારાજ થયા છે.
મનસુખ વસાવાએ પત્ર લખી કરી રજૂઆત
મનસુખ વસાવાએ મતવિસ્તાર ભરૂચમાં જર્જરિત પુલોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે રજૂઆત કરી છે કે, ભરૂચ-આમોદ, જંબુસર નજીક ઢાઢોર બ્રિજ ઉપરાંત અન્ય નાના પુલો ખખડધજ અવસ્થામાં છે. આ ઉપરાંત નેત્રંગ, દેડિયાપાડા, સાગબારા વચ્ચે નદી પરનો પુલ પણ જર્જરીત છે. આ પુલો પર વાહન વ્યવહાર બંધ છે, પરિણામે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પર્યટન સ્થળ કબીરવડ માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી આયોજન કરાયુ છે પણ 15-20 વર્ષ વિત્યાં પછી હજુ ઠેકાણુ પડ્યું નથી. આ ઉપરાંત ભરૂચ અને અંક્લેશ્વર શહેરના વિકાસ માટે પણ સરકારે પુરતા પગલાં ભર્યાં નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર
સાંસદો-ધારાસભ્યોએ જ કહ્યું કે, પ્રજાના કામ નથી થતાં
આમ, ભાજપના જ ધારાસભ્ય-સાંસદોએ સરકારની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યાં છે. લેખિત રજૂઆતના પત્રો વાઈરલ કરીને ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડવા ભાજપના ધારાસભ્ય-સાંસદો મેદાને પડ્યાં હોય તેમ લાગી રહ્યું છે. પ્રજાના કામો થતાં નથી તેવું ધારાસભ્ય-સાંસદો જ કહી રહ્યાં છે.