Gujarat BJP: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નવી ટીમની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિવાદ અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ભાજપના વર્ષો જૂના અને આદર્શ મનાતા 'એક વ્યક્તિ, એક હોદ્દો'ના નિયમનો આ વખતે સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાને બદલે અનેક વર્તમાન સાંસદો અને ધારાસભ્યોને પ્રદેશ માળખામાં મહત્ત્વના હોદ્દા ફાળવી દેવામાં આવ્યા છે.
દિગ્ગજોની ગણતરીઓ ઊંધી પડી
પ્રદેશ માળખામાં સ્થાન મેળવવા માટે અનેક સિનિયર નેતાઓ અને દાવેદારોએ છે ક દિલ્હી સુધી લોબિંગ કર્યું હતું. એવી ચર્ચાઓ હતી કે પક્ષના ધૂરંધર ગણાતા નેતાઓનો આ ટીમમાં સમાવેશ થશે, પરંતુ જગદીશ પંચાલની નવી યાદીએ તમામ રાજકીય સમીકરણો અને ગણતરીઓને ઊંધી પાડી દીધી છે. જે નામોની જોરશોરથી ચર્ચા હતી, તે પૈકીના મોટાભાગના ચહેરાઓની બાદબાકી કરી દેવામાં આવી છે.
ભાજપ હંમેશા એ વાતનો દાવો કરે છે કે જે વ્યક્તિ સરકારમાં હોદ્દો ધરાવતી હોય તેણે સંગઠનથી દૂર રહેવું જોઈએ જેથી કામનું ભારણ વહેંચાય. પરંતુ આ નવી ટીમમાં અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રદેશ સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી છે.
પાયાના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે જો તમામ હોદ્દા સાંસદ-ધારાસભ્યોને જ આપી દેવામાં આવશે, તો પક્ષ માટે રાત-દિવસ મહેનત કરનાર સામાન્ય કાર્યકરને ક્યારે તક મળશે? હવે આ નેતાઓએ એક તરફ પ્રજાલક્ષી કામો કરવાના રહેશે અને બીજી તરફ સંગઠનને મજબૂત કરવાની જવાબદારી નિભાવવી પડશે.
આ પણ વાંચો: ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ
વિવિધ મોરચામાં નવા ચહેરા અને મહિલા પ્રતિનિધિત્વ
વિવાદો વચ્ચે ભાજપે સંગઠનમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. જ્ઞાતિ અને ઝોન સમીકરણ: કિસાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચો અને અલ્પસંખ્યક મોરચામાં નવા ચહેરાઓને સ્થાન આપીને 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરાયો છે. પ્રદેશ માળખામાં મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપીને પક્ષે આધી આબાદીને સાધવાનો પ્રયત્ન કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અસલી કસોટી
જગદીશ પંચાલની આ નવી ટીમ માટે આગામી 'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી' એ સૌથી મોટો પડકાર બની રહેશે. પક્ષમાં ઉભો થયેલો કચવાટ અને જૂથબંધી ચૂંટણીના પરિણામો પર શું અસર કરે છે, તે જોવું રસપ્રદ રહેશે. જો આ ટીમ સફળ જશે તો નવી વ્યૂહનીતિને આવકારવામાં આવશે, અન્યથા આંતરિક વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.


