Get The App

ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ 1 - image

Gujarat BJP: લાંબા સમયની પ્રતિક્ષા બાદ જાહેર થયેલી ગુજરાત પ્રદેશ ભાજપની નવી કારોબારી સમિતિએ પક્ષમાં જૂથબંધીના વિવાદને ફરી સપાટી પર લાવી દીધો છે. નવી સમિતિમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના નજીકના મનાતા નેતાઓની બાદબાકી કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બીજી તરફ, પાટીલના વિરોધી જૂથના ગણાતા નેતાઓને મહત્ત્વના હોદ્દા સોંપીને સંગઠનમાં શક્તિ સંતુલન બદલવાનો પ્રયાસ કરાયો હોય તેમ જણાય છે.

દક્ષિણ ગુજરાતની બાદબાકી અને 'સૌરાષ્ટ્ર'નો દબદબો

નવી પ્રદેશ સમિતિમાં ભૌગોલિક સંતુલન ખોરવાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પક્ષના ઈતિહાસમાં ભાગ્યે જ બન્યું હશે તેમ, દક્ષિણ ગુજરાતમાંથી એક પણ મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી નથી. કુલ મહામંત્રીઓ પૈકી ત્રણ મહામંત્રીઓ એકલા સૌરાષ્ટ્ર ઝોનમાંથી મૂકવામાં આવ્યા છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: મંત્રી પહોંચે એ પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા રાજકીય વિવાદ

વિવાદાસ્પદ ચહેરાઓને સ્થાન મળતા વિરોધ

નવી યાદીમાં કેટલાક એવા નામો છે જેમનાથી સ્થાનિક સ્તરે વિરોધ ઉઠ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે જેમનો સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો, તેમને પ્રદેશ મહામંત્રી જેવું કદાવર પદ સોંપાતા આશ્ચર્ય સર્જાયું છે. ખેડાના અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવી વડોદરા અને ઉત્તર ગુજરાતના દાવેદારોની અવગણના કરાઈ હોવાની ચર્ચા છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે અગાઉ પત્રિકા કાંડ વખતે જેમના નામો ઉછળ્યા હતા અથવા જેઓ તેમની કાર્યપદ્ધતિના વિરોધી હતા, તેમને મહત્ત્વના હોદ્દા મળ્યા છે. પૂર્વ મંત્રી અને પાટીલના કટ્ટર વિરોધી મનાતા ગણપત વસાવાને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઝંખનાબેન પટેલ જેઓની ટિકિટ કાપવામાં આવી હતી તેઓને પ્રદેશ સમિતિમાં ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો છે.

ભાજપમાં સામાન્ય રીતે 'એક વ્યક્તિ, એક હોદ્દો'નો નિયમ પળાતો હોય છે, પરંતુ આ જમ્બો યાદીમાં કેટલાક એવા નેતાઓ પણ છે જેઓ પાસે પહેલેથી જ જવાબદારી હોવા છતાં પ્રદેશ સમિતિમાં સ્થાન આપી બીજો હોદ્દો ફાળવવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર કરાયેલી આ સમિતિથી સ્પષ્ટ થાય છે કે પક્ષમાં હવે પૂર્વ પ્રમુખોના પ્રભાવને ઓછો કરીને નવા સમીકરણો રચાઈ રહ્યા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને વડોદરા જેવા મહત્વના ગઢની અવગણના આગામી દિવસોમાં પક્ષ માટે માથાનો દુખાવો બની શકે છે.