11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય

Genome Project Gujarat: ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના કારણે ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયોમાં વ્યાપક આનુવંશિક બીમારીઓનું નિદાન અને નિવારણ સુધારવાનો છે.
પ્રોજેક્ટ હેઠળ શું કરાશે?
જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો ગુજરાતના 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી DNA નમૂનાઓ એકત્રિત કરી રહ્યા છે. આ નમૂનાઓ દ્વારા એક વ્યાપક ડેટાબેઝ બનાવવામાં આવશે. આ ડેટાબેઝ આદિવાસી જૂથોમાં પ્રવર્તતી આનુવંશિક રોગોના નિદાન અને તેમની સારવારની પદ્ધતિઓને સુધારવામાં મદદરૂપ થશે.
જીનોમ સિક્વન્સિંગ શા માટે જરૂરી?
ગુજરાતની આદિવાસી વસ્તી લાંબા સમયથી થેલેસેમિયા અને સિકલસેલ એનિમિયા જેવી ગંભીર આનુવંશિક બીમારીઓનો સામનો કરી રહી છે. આમાંની અમુક આનુવંશિક બીમારીઓ છેલ્લા સ્ટેજ સુધી પણ શોધી શકાતી નથી, જેના કારણે સારવાર વધુ જટિલ બની જાય છે.
જીનોમ એટલે શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રી. જીનોમ સિક્વન્સિંગ કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચનાને સમજવા માટે કરવામાં આવે છે. તે જનીનોમાં થતા ફેરફારો (મ્યુટેશન) વિશે માહિતી આપે છે, જે રોગોનું મૂળ કારણ હોય છે.
આ પણ વાંચો: શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે
વહેલું નિદાન અને નિવારક પગલાં
આ પ્રોજેક્ટ દ્વારા વૈજ્ઞાનિકોને અનેક લાભો મળશે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા આનુવંશિક મ્યુટેશનને વહેલી તકે શોધી શકાશે. આ ડેટાના આધારે ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પેનલ તૈયાર કરી શકાશે. IVF પ્રક્રિયાઓ દરમિયાન પ્રિનેટલ અથવા તો ગર્ભ-સ્તરનું પરીક્ષણ પણ શક્ય બનશે.
જીનોમ મેપિંગ દ્વારા આવા રોગોના વાહકો (Carriers)ને વહેલી તકે ઓળખી શકાશે, જેથી રોગ વિશે વહેલી જાણકારી મળે અને તેના નિવારણ માટે યોગ્ય પગલાં લઈ શકાય. આ પહેલથી આદિવાસી સમુદાયોના જાહેર સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી સુધારો થવાની આશા છે.

