અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું DVR મળ્યું, છેલ્લી ઘડીએ શું થયું તેના રહસ્યો ખુલશે
Ahmedabad Plane Crashed: રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું. આ બોઇંગ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. જેમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા છે. વિમાન જે બી જે મેડિકલની યુ જી હોસ્ટેલ મેસમાં અથડાયું હતું તેના 24 મેડિકલ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. હજી અનેક મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ઘાયલ છે. જેમની સારવાર થઈ રહી છે.
ગુજરાત એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક ડીવીઆર છે. જે કાટમાળમાંથી મળી આવ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(એફએસએલ)ની ટીમ ટૂંકસમયમાં અહીં પહોંચી ડિવાઇસની તપાસ કરશે. જે દુર્ઘટના બનવા પાછળનું કારણ જાણવામાં મદદરૂપ બની શકે છે. ડીવીઆરની મદદથી પ્લેનની અંતિમ ક્ષણોમાં શું ઘટના બની હતી, તેની જાણકારી મેળવી શકાશે.
ડીવીઆર (Digital Video Recorder - DVR)
ઉપયોગ: ડીવીઆરનો ઉપયોગ મુખ્યત્વે સર્વેલન્સ (નિરીક્ષણ) હેતુથી સિક્યુરિટી કેમેરામાંથી વીડિયો ફૂટેજ રૅકોર્ડ કરવા માટે થાય છે.
ડેટા સ્ટોરેજ: ડીવીઆર દ્વારા રૅકોર્ડ કરાયેલ વીડિયો ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઇવ અથવા ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત થાય છે.
ડેટાનો પ્રકાર: ડીવીઆર મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા (દૃશ્ય માહિતી) રૅકોર્ડ કરે છે.
બ્લેક બોક્સ (Black Box - ફ્લાઇટ ડેટા રેકોર્ડર)
ઉપયોગ: બ્લેક બોક્સ, જેને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરે છે.
રૅકોર્ડ થતી માહિતી: તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રૅકોર્ડ થાય છે.
ડિઝાઇન અને સુરક્ષા: બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રૅકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રૅકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે.
ટૂંકમાં, ડીવીઆર સામાન્ય દેખરેખ માટે વીડિયો રૅકોર્ડ કરે છે, જ્યારે બ્લેક બોક્સ વિમાનની સુરક્ષા અને દુર્ઘટનાના કારણો શોધવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ અને ઓડિયો ડેટા રૅકોર્ડ કરે છે, અને તે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ હોય છે.
બ્લેક બોક્સની શોધખોળ ચાલુ
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સને શોધી કાઢવાની કામગીરી હજુ ચાલુ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ડીવીઆર (DVR) અને બ્લેક બોક્સ બંને વચ્ચે મોટો તફાવત હોય છે. ડીવીઆર (ડિજિટલ વીડિયો રૅકોર્ડર) અને બ્લેક બોક્સ બંનેનું કામ ડેટા રૅકોર્ડ કરવાનું હોય છે. પરંતુ ડીવીઆર સામાન્ય રીતે સિક્યોરિટી કેમરાથી ફ્લાઇટનું વીડિયો રૅકોર્ડિંગ કરે છે, જ્યારે બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા અને કોકપિટ ઑડિયો રૅકોર્ડ કરે છે. ઉલ્લેખનીય છે, અમદાવાદમાં ગઈકાલે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ટેક ઑફ થયાની બે મિનિટમાં જ ધડાકાભેર બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. જેમાં કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યા છે.