Get The App

અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા 1 - image


Ahmedabad Weather Update: અમદાવાદમાં 6 સપ્ટેમ્બર, શનિવારની સાંજથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને પોલીસે લોકોને સાવધાન રહેવાનું જણાવ્યું છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ચેતવણી અપાઈ છે. અહેવાલો પ્રમાણે, સાબરમતી નદી હવે જોખમી સ્તરથી માત્ર બે ફૂટ દૂર છે. એટલે કે સાબરમતી નદીનું જળસ્તર હાલમાં 130 ફૂટ થઇ ચૂક્યું છે. જ્યારે તેનું ભયજનક જળસ્તર 132 ફૂટ મનાય છે. રિવરફ્રન્ટનો વૉક વે પણ પાણીમાં ગરકાવ છે. 

હરણાવ નદીમાં ફસાયા 6 યુવકો

સાબરકાંઠાના વિજયનગરના પોળો ખાતે હરણાવ નદીમાં પાણી આવતા અમદાવાદના 6 યુવકો ફસાયા છે. પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની સામે બાજુ ફસાયા ગયા હતા. વિજયનગર પોલીસ દ્વારા યુવકોને સલામત રીતે જંગલના રસ્તેથી બહાર નીકાળવામાં આવ્યા છે. વિજયનગર પીએસઆઈ સહિત પોલીસકર્મીઓએ સલામત રીતે બહાર નીકાળ્યા.

સાબરમતીમાં પાણીની આવક વધી

ધરોઇ ડેમ અને સંત સરોવરથી પાણી છોડાતાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રિવરફ્રન્ટનો નીચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે બાદ પોલીસ દ્વારા સતત માઈકથી લોકોને પાળીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે. 


સંત સરોવરમાં પાણીની આવક વધી 

ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું. સંત સરોવર પાસે સપાટી 53 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે. સંત સરોવરના તમામ દરવાજા ખોલી 92700 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. 

અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા 2 - image

અમદાવાદમાં સાબરમતી બે કાંઠે 

અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. રિવરફ્રન્ટના વૉક વેની વાત કરીએ તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સાથે ફરી એકવાર સાપ અને પાણીમાં રહેતા ખતરનાક જીવ ફરી બહાર કિનારે નદીમાંથી આવવા લાગ્યા છે. 

અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા 3 - image

બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી 

અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી.  જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી. 



બનાસકાંઠામાં 8ને બચાવાયા 

આ દરમિયાન બનાસકાંઠાના દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદી વચ્ચે ફસાયેલા 8 લોકોને ફસાયા હતા. જેમને SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 

અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા 4 - image

આ પણ વાંચોઃ રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક

GPSC પરીક્ષાને લઈને સમીક્ષા બેઠક

હવામાન વિભાગ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહને ધ્યાને લઈ ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં આજે યોજાનારી GPSC પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષા કેન્દ્રો ખાતે તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીની સમીક્ષા કરાઈ હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક વિશે વિગતવાર માહિતી મેળવી હતી. જો જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ સિવાય કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા 5 - image

આ પણ વાંચોઃ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર

209 તાલુકામાં વરસાદ

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રમત તેજ કરી દેતા ચેરાપુંજી ગણાતા કપરાડામાં દિવસે 8 કલાકમાં 6 ઇંચ સહિત 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન બોટાદમાં 3.50, સાબરકાંઠાના પોશિનામાં 3.25, રાજકોટના પડધરીમાં 3.15, સાબરકાંઠાના તલોદ, અમદાવાદના સાણંદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડયો તેમાં 2.85 ઈંચ સાથે રાજકોટના જામકંડોરણા, 2.75 ઈંચ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ, 2.60 ઈંચ સાથે અરવલ્લીના બાયડ-વલસાડના ઉમરગાંવનો સમાવેશ થાય છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. 

Tags :