Get The App

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક 1 - image


Jamnagar News : સમગ્ર સૌરાષ્ટ્રમાં નબળા માર્ગો વરસાદને લીધે ભંગાર થઈ ગયા છે. નબળા રોડમાં ઠેક ઠેકાણે ગાબડા પડયા હોવાથી વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. દરમિયાન જામજોધપુર તાલુકામાં ઈશ્વરિયાથી જામંજોધપુર સુધી 16 કિ.મી.ની સડક સુધારવા પદયાત્રા યોજી ભંગાર રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય સહિતના ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ જામજોધપુર મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવતાં આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થતા ધારાસભ્ય હેમંત ખવા સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાનાં બિસ્માર માર્ગો અંગે રાજયના મુખ્યમંત્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક વકત રજૂઆત કરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત સુધારવામાં આવી નથી. જામનગર જિલ્લામાં અંદાજે ૫૫ માર્ગો એવા છે જેની સુધારણાનું કામ અટકી ગયું છે. 12-12 વખત ટેન્ડર કરવામાં આવ્યા હોવા છતાં કોઈ કામ થતુ નથી. પરિણામે માર્ગો ઉપર ચાલવું જોખમી બની રહ્યું છે. આ પ્રકારની વિગતો સાથે આજરોજ આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનાં વડપણ હેઠળ આજે ઈશ્વરિયાથી જામજોધપુરની મામલતદાર કચેરી સુધીની પદયાત્રા યોજવામાં આવ્યા બાદ આવેદનપત્ર આપી વધુ એક વખત રસ્તાની હાલત સુધારવાની તાકીદ કરવામાં આવી હતી. આ તબક્કે મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસે 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બિસ્માર રસ્તાના મુદ્દે જણાવાયું હતું કે, સરકાર અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં મોટા ઓવર બ્રિજ બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પણ ગ્રામીણ રસ્તાની સ્થિતિ સુધારવાની કોઈ ચિંતા કરવામાં આવતી નથી. જામનગર જિલ્લાની માફક જૂનાગઢ જિલ્લાના ૪૨ અને દ્વારકા જિલ્લાનાં ૬૨ માર્ગોની હાલત એવી છે કે જેની ઉપરથી પસાર થવું મુશ્કેલ છે.

આ સ્થિતિમાં આગામી એક મહિનામાં બિસ્માર માર્ગોની હાલત સુધારવામાં નહી આળે તો બાંધકામ વિભાગના અધિકરીઓના મોઢા કાળા કરી જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરીઓને તાળા બંધી કરીશ તેમ જણાવાયું હતું.


Tags :