અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
Ahmedabad Firing: અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા શેર બ્રોકરની પોઇન્ટ બ્લેકથી આપઘાત કરવાના મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આપઘાત પહેલા મૃતકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા અને તેમના ગયા બાદ કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યો હતો. જો કે સ્થળ પરથી હથિયાર ન મળી આવતા બંને હથિયાર લઈને ચાલ્યા ગયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે મૃતકને મળવા આવેલા બંને વ્યક્તિઓને પોલીસે ઓળખાણ કરી છે. જે શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી સાથે મોટા પ્રમાણમાં નાણાં વ્યાજે ફેરવતા હતા. કરોડોની લેવડ-દેવડ મામલે ધમકી મળતા હતાશ થઈને કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યા હોવાનું પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે.
જાણો શું છે મામલો
બોપલમાં કબીર એક્લેવ પાસે આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના શેર બ્રોકરના આપઘાતની રહસ્યમય ઘટનામાં બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું કે, 'આ બનાવ મંગળવારે (પાંચમી ઓગસ્ટ) આશરે રાતના પોણા નવ વાગ્યાનો છે. ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેમના 14 વર્ષની પુત્રી ઘરે હતા. સાંજે સાડા સાત વાગે એક સફેદ કારમાં બે વ્યક્તિઓ કલ્પેશને મળવા માટે આવ્યા હતા. ત્યારે કલ્પેશ તેમની સાથે મકાનના ઉપરના માળે આશરે એક કલાક સુધી બેઠા હતા અને પોણા નવ વાગે બંને વ્યક્તિ નીચે ઉતર્યા ત્યારે કલ્પેશ તેમને મુકીને ઘરમાં પરત આવ્યા હતા અને કપડા બદલીને નીચે આવવાનુ કહ્યા બાદ ઉપરના રૂમમાં ગયા ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો. જેથી તેમની દીકરી ત્યાં દોડી ગઇ હતી અને જોયુ તો તેના પિતા લોહીલુહાણ હાલતમાં હતા. આ બનાવ અંગે તેણે તેની માતાને જાણ કરતા તે પણ આવી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.'
પોલીસને સ્થળ પરથી એક ફુટેલી કારતુસ મળી આવી હતી. પરંતુ, હથિયાર મળી ન આવતા આશંકા છે કે કલ્પેશને જ્યાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે અગાઉ તેમને મળવા આવેલા બે શખસો હથિયાર લઇને નાસી ગયા હતા. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નાણાંકીય લેવડ-દેવડના મામલે કલ્પેશે જીવન ટુંકાવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા બંને સખશોની પણ ઓળખ કરી લીધી છે અને તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાશે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કલ્પેશ ટુંડિયાએ સુરેન્દ્રનગરમાં રહેતા એક વ્યક્તિ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ ઉપરાંત અન્ય દેવું પણ હતું. આપઘાતની ઘટના પહેલા મળવા આવેલા બંને શખસોએ તેને ધમકી આપી હતી, જેથી માનસિક આઘાતમાં આવીને તેણે અંતિમ પગલુ ભર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે સુસાઈડ નોટ અને મૃતકના ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલ્યો છે અને આ ઉપરાંત, કોલ ડીટેઇલ રેકોર્ડની પણ તપાસ શરૂ કરી છે.
કલ્પેશને મળવા આવેલા શખસો હથિયાર લઈને આવ્યા હતા
મૃતક કલ્પેશ ટુંડિયાના આપઘાત મામલે પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કલ્પેશ પાસે કાયદેસર કે ગેરકાયદે કોઇ હથિયાર નહોતું. પરંતુ તેને મળવા આવેલા શખસો હથિયાર લઇને આવ્યા હતા. તે હથિયાર મુકીને નીચે ઉતયાં ત્યારબાદ કલ્પેશે આપઘાત કરી હતી. જે બાદ બંને હથિયાર ત્યાંથી લઈને જતા રહ્યા હતા. તે પહેલા બંનેએ સ્થળ પર લોહીના ડાઘ પણ સાફ કર્યા હતા.
ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા પત્ની પણ નોકરી કરતી હતી
મુળ રાજકોટ કલ્પેશ ટુંડિયા છેલ્લાં 13 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થઈને શેરબજારનું કામ કરતા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર,કોરોના તેમજ છેલ્લાં ઘણા મહિનાઓથી શેરબજારમાં મંદીના કારણે તેમને આર્થિક ફટકો પડયો હતો. જેથી ખૂંબ મોટું દેવુ થઈ ગયું હતું. જેથી તેમને આર્થિક મદદ કરવા માટે તેમની પત્ની વીઆઈપી રોડ પર એક ફુડ સ્ટોલમાં નોકરી કરવા પણ જતી હતી.