Get The App

ભ્રષ્ટ GPCBનું 'પાપ' ઉઘાડું પડ્યું, શુદ્ધિકરણના બહાને કરોડો વાપર્યા છતાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ભ્રષ્ટ GPCBનું 'પાપ' ઉઘાડું પડ્યું, શુદ્ધિકરણના બહાને કરોડો વાપર્યા છતાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત 1 - image
Images Sourse: IANS

13 Rivers Polluted In Gujarat: ગુજરાતમાં નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, તેમ છતાંય નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો નથી, એના કરતાં પણ નદીઓ વધુ પ્રદૂષિત થઈ રહી છે. ઉદ્યોગો-કારખાના, ફેક્ટરીઓ બેરોકટોક રીતે ગંદુ અને કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠલવી રહ્યાં છે, જેના કારણે સાબરમતી સહિત 13 નદીઓ પ્રદૂષિત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે હવે નદીના પાણી પણ પીવાલાયક રહ્યાં નથી. 

સાબરમતી પ્રદૂષિત નદીઓની ટોપ શ્રેણીમાં

ગુજરાતમાં વધતાં ઔદ્યોગિકીકરણને લીધે ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરીના ગંદા અને કેમિકલયુક્ત પાણીના નિકાલની સમસ્યા ઘેરી બની છે. અનેક ઔદ્યોગિક વસાહતોમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાયાં હોવા છતાંય ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યુ છે. કેમિકલયુક્ત પાણીને કારણે નદીના પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજનની માત્રા વધી છે જેથી પાણી પીવાલાયક રહ્યુ નથી.   

સંસદમાં રજૂ કરાયેલાં રિપોર્ટમાં એવા તારણો બહાર આવ્યાં છે કે, ગુજરાતમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી, વિશ્વામિત્રી, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી, દમણગંગા અને તાપી નદીના જળ પ્રદૂષિત થયા છે. સૌથી વધુ પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી નદીનો સમાવેશ કરાયો છે. રાષ્ટ્રીય નદી સરંક્ષણ યોજના અમલમાં છે, ત્યારે કેન્દ્રએ સાબરમતી, તાપી અને મીંઢોળા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે 1875 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. તે પૈકી છેલ્લાં પાંચેક વર્ષમાં 559 કરોડ રૂપિયા ચૂકવાયાં છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં 25 કરોડના ખર્ચે સ્લજમાંથી ખાતરનો પ્લાન્ટ નાખ્યો પણ વેચાણ માટે કેન્દ્રની મંજૂરી ન મળી

નદી શુદ્ધિકરણના બહાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે, તેમ છતાંય નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, જો લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે તો નદીઓનુ પાણી કેમ પ્રદૂષિત થઈ રહ્યુ છે તે સૌથી મોટો સવાલ છે. જમીની સ્તર પર નદીના પાણીની ગુણવત્તામાં કોઈ સુધારો દેખાતો નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ માત્રને માત્ર ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં રસ છે, જેથી ટ્રીટમેન્ટ વિનાનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાંય કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. આ કારણોસર નદીઓના પાણી ઝેરી થયાં છે. 

સુપ્રીમ-હાઈકોર્ટના આદેશ ઉદ્યોગકારો ઘોળીને પી ગયાં 

નદીઓમાં વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે પણ ટ્રીટમેન્ટ કરેલું પાણી જ નદીમાં ઠાલવવા ગાઈડલાઇન જાહેર કરી છે. આ ઉપરાંત વર્ષ 2021માં ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ એવી ફટકાર લગાવી હતી કે, કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવુ નહીં, માત્ર ટ્રીટ કરેલું પાણી જ નદીમાં ઠાલવવું. પણ કોર્ટની બધીય ગાઈડલાઇનનો કોઈ અમલ થતો નથી.

નદીઓના કારણે હવે ભૂગર્ભજળ પણ પ્રદૂષિત   

કારખાના અને ફેક્ટરીના ગંદા અને કેમિકલયુક્ત પાણીના કારણે નદીના પટમાં ઉગતા શાકભાજી પણે સ્વાસ્થ્ય માટે જોખમી બન્યાં છે. ઝેરી કેમિકલયુક્ત પાણીથી ઉત્પાદિત થતાં શાકભાજી-ખેત પાકઉત્પાદનથી કેટલાંક લોકો મોતને ભેટી રહ્યાં છે. ગુજરાતમાં ચિતાજનક સ્થિતિ સર્જાઈ છે, તેમ છતાંય કોઈ જોનાર નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો જાણે ખાયકી બોર્ડ બની રહ્યું છે. 

Tags :