Get The App

અમદાવાદમાં 25 કરોડના ખર્ચે સ્લજમાંથી ખાતરનો પ્લાન્ટ નાખ્યો પણ વેચાણ માટે કેન્દ્રની મંજૂરી ન મળી

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 25 કરોડના ખર્ચે સ્લજમાંથી ખાતરનો પ્લાન્ટ નાખ્યો પણ વેચાણ માટે કેન્દ્રની મંજૂરી ન મળી 1 - image


AMC News: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 2016માં પિરાણા ખાતે 1500 કે.સી.આઇ. ગામા રેડિયેશન સ્લજ હાઇજીનાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો હતો. ગટરનું પાણી ટ્રીટ કર્યા બાદ વધતાં સ્લજને રેડિયેશન દ્વારા ખાતર બનાવવાના હેતુથી આ પ્લાન્ટ બનાવાયો હતો, પણ છેલ્લાં 8 વર્ષથી રેડિયેશન પ્લાન્ટમાં ઉત્પાદન થતાં ખાતરને ઓપન માર્કેટમાં વેચાણ કરવા માટેનું લાયસન્સ મળ્યું નથી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ પ્રકારના ખાતરને વેચવાની મંજુરી મળશે કે નહીં તે નક્કી નહીં હોવા છતાં 25 કરોડનો પ્લાન્ટ ઉભો કરી દેવાયો હતો.

મેઈન્ટેઈનન્સ પાછળ મહિને 12 લાખનો ધુમાડો 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ પ્લાન્ટ શરૂ કર્યા બાદ કેન્દ્ર સરકારમાં ખાતરના વેચાણ માટેની અરજી કરી છે પણ તેને હજુ સુધી મંજુરી મળી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષ પહેલાં બીએઆરસી સાથે મળીને રેડિયેશન પ્લાન્ટમાં સુધારો કર્યો હતો જેમાં ક્રશરની નવી ટેકનોલોજી જોડવામાં આવી હતી. કેન્દ્ર સરકારને ખાતર વેચાણ માટેના લાયસન્સ મેળવવાની અરજી કરવામાં આવી હતી પણ આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં ખાતરને મંજુરી મળી નથી. કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય મુજબ માનવ મળમાંથી બનતા ખાતર અંગેની કોઇ કેટેગરી નથી. જેથી આ નવી કેટેગરી ઉભી કરવી પડે તેવી સ્થિતિ છે. જ્યાં સુધી આ પ્રકારના ખાતરની કેટેગરી ઉભી ન થાય ત્યાં સુધી રેડિયેશન પ્લાન્ટમાંથી બનતા ખાતરને વેચાણ માટે લાયસન્સ મળે તેવા સંજોગો દેખાતા નથી.

આ પ્લાન્ટ કોર્પરેશનના સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન વિભાગ હેઠળ તૈયાર થયો છે. તે વખતે એમએમસીના ચેરમેન પ્રવીણ પટેલ હતા, આ રેડિયેશન પ્લાન્ટની ક્ષમતા દૈનિક 100 ટન સ્લજમાંથી ખાતર બનાવવાની છે. હવે આટલી મોટી માત્રામાં ખાતર બનાવીએ પણ વેચી ન શકીએ તો પછી તેને ક્યાં નાંખવું કે ક્યાં રાખવું તે મોટો પ્રશ્ન છે એટલે અત્યારે માત્ર 3થી 5 ટન જેટલું ખાતર જ બનાવવામાં આવે છે. એએમસીના બગીચાઓ અને વૃક્ષારોપણ વખતે પણ મર્યાદિત ખાતરનો ઉપયોગ થાય છે. મોટાભાગનો સ્ટોક પડ્યો રહે છે. આ પ્લાન્ટના મેઈનટેઈનન્સ પાછળ મહિને 11.81 લાખનો ખર્ચ  થાય છે. તેની સામે ક્ષમતા કરતાં બહુ જ ઓછુ ઉત્પાદન કરાતું હોવાથી સરવાળે કોસ્ટિંગ વધી જાય છે. 

આમ, માત્ર ઓપરેશન-મેઇન્ટેનન્સના રૂપિયા ચૂકવવા માટે આ પ્લાન્ટ ચાલુ રખાયો હોય એવો ઘાટ સર્જાયો  છે. સુત્રો જણાવે છે કે, બે વર્ષથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ રાહ જોઇને બેઠા છે પણ ઉત્પાદન થતાં ખાતરને વેચાણ માટેનું લાયસન્સ મળી રહ્યું નથી. જો ઉચ્ચ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરે તો આ પ્રશ્નનો ઉકેલ આવે તેમ છે.

સ્લજનો રેડિયેશન પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે?

અમદાવાદ શહેરમાં ગટરના પાણી ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ ઉભા કરાયા છે. કોઇપણ એસટીપી પ્લાન્ટના ગટરના પાણી ટ્રીટ કર્યા બાદ તેમાંથી સ્લજ નીકળે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસટીપી પ્લાન્ટમાંથી નીકળતાં સ્લજને રેડિયેશન પ્લાન્ટમાં મોકલાય છે. સ્લજ એટલે કે માનવ મળની અંદર વિવિધ પ્રકારના બીજ હોય છે જેને રેડિયેશનની મદદથી નાશ કરવામાં આવે છે. જેથી તે ખાતર બને છે જેનો ઉપયોગ ખેતીમાં પણ થઇ શકે છે.  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ભાભા એટમિક રિસર્ચ સેન્ટર સાથે મળીને આ પ્લાન્ટ ઉભો કર્યો હતો.

એએમસીને એફસીઆઈએલની મંજૂરીની રાહ

સ્યૂએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના એડિશ્નલ ચીફ એન્જિનિયર દેવાંગ દરજીએ કહ્યું હતું કે અત્યારે એએમસીના ગાર્ડન્સ અને વૃક્ષારોપણમાં ખાતરનો ઉપયોગ થાય છે એટલા પૂરતું ઉત્પાદન કરવામાં આવે છે. એએમસીએ ફર્ટિલાઈઝર્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને મંજૂરી માટે અરજી આપી છે. ગુજરાત સરકાર પણ એના માટે પ્રયાસો કરે છે. અમદાવાદ ઉપરાંત ઈન્દોરમાં પણ બીએઆરસીએ આવો પ્લાન્ટ બનાવ્યો છે, પરંતુ એકેય સ્થળને હજુ મંજૂરી મળી નથી.

Tags :