ગુજરાતમાં આજે GSSSB અંતર્ગત CCE Group-Bની મુખ્ય પરીક્ષા લેવાઈ, 25 હજારથી વધુ ઉમેદવારોએ આપી કસોટી
પ્રતિકાત્મક તસવીર |
GSSSB CCE Group-B Exam : રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ જિલ્લામાં આજે રવિવારે (8 જૂન) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત વર્ગ-3ની CCE ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી આજે 25 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમાં ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા લેવામાં આવી છે. ઉમેદવારોને 1 વાગ્યે બાયોમેટ્રિક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પેપર 3 વાગ્યે શરૂ થયું હતું. GSSSB અંતર્ગત CCE Group-Bની મુખ્ય પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે ઉમેદવારોએ પેપર સારું રહ્યું હોવાનું જણાવ્યું હતું.
CCEની ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા પૂર્ણ
મળતી માહિતી મુજબ, સરકારી ભરતીમાં પાસ થવા માટે ઉમેદવારો ઘણા વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતાં હોય છે, ત્યારે રાજ્યભરમાં આજે રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળની CCE ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અમદાવાદના 53 પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગર જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષા અંગે શું કહ્યું ઉમેદવારોએ?
પરીક્ષાને લઈને ઉમેદવારોએ જણાવ્યું હતું કે, 'પેપર મીડિયમ હતું, જેમાં ગુજરાતી ભાષા, બંધારણ અને ગણિત સહિતના પ્રશ્નો થોડા સરળ પૂછાયા હતા. જ્યારે કરંટ અફેર્સના સવાલો જૂના પૂછાયા હોવાથી થોડા અઘરા રહ્યા હતા. આખું પેપર કવર કરતાં થોડો ટાઈમ ઘટ્યો હતો. મેરિટ મધ્યમ રહેવાની શક્યતા છે. આમ પેપર સારુ રહ્યું હતું. બીજું તો આગામી સમયમાં આન્સર કી જાહેર થાય ત્યારે ખ્યાલ આવશે કેવું રહેશે મેરિટ...'
આ પણ વાંચો: વડોદરામાં આઈપીએલની જેમ બરોડા પ્રીમિયર લીગનું આયોજન, BPLની ટીમના ટી-શર્ટ લોન્ચ કરાયા
તમને જણાવી દઈએ કે, પ્રિલિમ પરીક્ષામાં 5.50 લાખ ઉમેદવારો નોંધાયા હતા, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3 ની CCE ગ્રુપ-Aની પરીક્ષાને લઈને ચાર અરજદારોએ આન્સર કીના 16 પ્રશ્નોને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યા હતા. જેમાં અરજદારોએ ગ્રુપ Bની મુખ્ય પરીક્ષા યોજવા પર સ્ટે મુકવાની માગ કરી હતી. જોકે, હાઇકોર્ટ અરજદારની અરજીને લઈને કન્વીન્સ ન થતા, અરજી રદ કરવાનું વલણ અપનાવ્યું હતું.