વડોદરામાં આઈપીએલની જેમ બરોડા પ્રીમિયર લીગનું આયોજન, BPLની ટીમના ટી-શર્ટ લોન્ચ કરાયા
Baroda Premier League in Vadodara: વડોદરાના સયાજીબાગ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા બરોડા પ્રીમિયર લીગ (BPL) ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા ડાન્સ, સ્કેટિંગ, ક્રિકેટ અને ચેસ જેવી દેશી તેમજ આધુનિક રમતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
BPLની પાંચ ટીમના ટી-શર્ટનું લોન્ચિંગ
કાર્યક્રમનો શુભારંભ BCAના અધ્યક્ષ, વડોદરા પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બલૂન ઉડાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે BPLની પાંચેય ટીમોના ટી-શર્ટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા IPLની જેમ જ બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. આગામી 15મીથી 29મી જૂન દરમિયાન કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ લીગ યોજાશે. આ માટે પાંચ ટીમના માલિકોને ચિઠ્ઠી ઉછાળીને ખેલાડીઓની ફાળવણી કરવામાં આવી હતી.