Get The App

અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ ઊંઘમાં

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ ઊંઘમાં 1 - image

Ahmedabad SVP Hospital: અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધ દર્દીના લોહી વહી જવાના મામલે સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ, 72 વર્ષીય સલીમ શેખને સારવાર માટે SVP હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં લગાવેલી વિગોમાંથી અચાનક લોહી નીકળવાનું શરૂ થયું હતું. નવાઈની વાત એ છેકે, ICU જેવા અતિ સંવેદનશીલ વોર્ડમાં સ્ટાફ હાજર હોવા છતાં કોઈનું ધ્યાન આ તરફ ગયું નહોતું.

આ પણ વાંચો: લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા


દર્દીનું ઘણું લોહી વહી જતા પરિસ્થિતિ ગંભીર બની

જ્યારે સલીમભાઈના પરિવારજનો અચાનક તેમને મળવા પહોંચ્યા, ત્યારે પથારીમાં લોહી નીકળતું જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, ICUમાં પરિવારજનોને રોકાવાની મનાઈ હોય છે, ત્યાં દર્દી સંપૂર્ણપણે સ્ટાફના ભરોસે હોય છે. તેમ છતાં આટલી ગંભીર ઘટના બની હતી. જ્યારે પરિવારે આ બાબતે સ્ટાફને જાણ કરી, ત્યારે કોઈએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું છે. પરિવારનું કહેવું છે કે જો તેઓ સમયસર ન પહોંચ્યા હોત, તો દર્દીનું ઘણું લોહી વહી ગયું હોત અને પરિસ્થિતિ ગંભીર બની શકી હોત.

દર્દીના પરિવારે જણાવ્યું કે, 72 વર્ષીય દાદાને માત્ર ઓક્સિજન ઓછું હોવાથી SVP હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ભારે બેદરકારીને કારણે તેમનું અડધી બોટલથી વધુ લોહી નીકળી ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરો પડદા પાછળ બેઠા હતા અને તેમના પિતા ICUમાં એકલા હતા, જેના કારણે તેમણે વીડિયો ઉતારીને 112 નંબર પર પોલીસને જાણ કરી અને હોસ્પિટલમાં સિક્કા સાથેની અરજી પણ આપી છે. ડોક્ટરોએ તેમને કોઈ કાગળ પર સહી કરવા દબાણ કર્યું હતું પણ તેમણે ના પાડી દીધી હતી, અને તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે જેથી ભવિષ્યમાં બીજા કોઈની સાથે આવી ઘટના ન બને.