Ahmedabad Crime: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 31મી ડિસેમ્બરના રોજ યોજાનારી ફાર્મહાઉસ રેવ પાર્ટીઓને ટાર્ગેટ કરીને થાઈલેન્ડથી મગાવાયેલો 15.12 લાખ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SMC શેલા-બોપલ રોડ પર આવેલા એપલવૂડ વિલા નજીકથી આ ડ્રગ્સની ડિલિવરી લેતી-આપતી વખતે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર પોતાની લક્ઝરી કારનો ઉપયોગ કરતો હતો અને પોલીસની નજરથી બચવા માટે ગાંજાની ડિલિવરી માટે પોતાના ડ્રાઈવરને 'પેડલર' તરીકે મોકલતો હતો. આ ડ્રાઈવરને એક ફેરાના 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
કેવી રીતે વેપલો ચાલતો?
મળતી માહિતી મુજબ, એપલવુડ વિલામાં રહેતા અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી હતી, જે થાઈલેન્ડથી આ પ્રતિબંધિત માલ મંગાવીને સપ્લાય કરતો હતો. સોમવારે બપોરે અર્ચિત તેના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની સાથે લક્ઝરી કારમાં નીકળ્યો હતો અને ડ્રાઈવર રાહુલ ભદોરિયાને બોપલ-શેલા રોડ પરના એપલવૂડ વિલા નજીક ગાંજાના પાર્સલ સાથે ઉતારી દીધો હતો, જ્યારે પોતે ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા ન જાય તે માટે તે પોતે કારમાં નીકળતો અને ડ્રાઈવર પાસે ડિલિવરી કરાવતો હતો. આ દરમિયાન, SMC ટીમે તુરંત કાર્યવાહી કરીને રાહુલ ભદોરિયા તેમજ ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખ ને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય
આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આરોપીઓ પાસેથી કુલ 432 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા રવિ અને દર્શન આ જથ્થો શહેર અને જિલ્લાના ફાર્મહાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા. પોલીસે ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની પાસેથી ગ્રાહકોની વિગતો અને આ સપ્લાય ચેઈનમાં સંકળાયેલા અન્ય લોકોની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ અને તેના ભાગીદારને પકડવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.


