અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત્રમુગ્ધ
Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. મેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ તૈયાર શ્રદ્ધાળુઓની સલામતી, સુરક્ષા અને સગવડને ધ્યાનમાં રાખીને પૂરતી તૈયારી કરી લીધી છે. તેવામાં અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે. જેમાં 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે.
મળતી માહિતી મુજબ, અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 29 સમિતિની રચના કરાઈ છે.
400 ડ્રોનથી અદભૂત લાઈટ શો યોજાશે
અંબાજી ખાતે યોજાવનાર આ મેળામાં સૌપ્રથમ વખત ભવ્ય ડ્રોન લાઈટ શો યોજાશે. જેમાં આગામી 3-4 સપ્ટેમ્બરની રાત્રે 8:30 વાગ્યે જો વરસાદનું વિઘ્ન ન નડે તો 400 ડ્રોન થકી અદભૂત લાઈટ શો યોજાશે. ડ્રોન શોમાં રંગબેરંગી લાઈટ વડે 'અંબે મા', 'જય માતાજી'ના લખાણ, 'ત્રિશૂળ' સહિતની વિવિધ પ્રતિકૃતિ બતાવાશે.